• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, મહત્તમ લેવલથી માત્ર 2 મીટર દૂર

15 દરવાજા 2.50 મીટર ખોલી 3.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા 42 ગામને એલર્ટ કરાયા

અમદાવાદ, તા. 15: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 136.65 મીટર પહોંચી છે. મહત્તમ સપાટીથી માત્ર બે મીટર દૂર છે. મધ્ય પ્રદેશનાં ઈન્દીરા સાગરમાંથી રાત્રે 4 લાખ 33 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી હોવાથી સરદાર સરોવર બંધનાં 15 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા છે તેમજ 3.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ગામોને સાવધાન પણ કરવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો હતો. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 30 સેમીનો વધારો થયો હતો. ઉપરવાસમાંથી 4,38,7201 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. 

નર્મદા નદીમાં 3.47 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરની હાલની સપાટી 136.65 મીટર પહોંચી છે. તેમજ પાણીની આવકને પગલે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે સુરક્ષાનાં ભાગરૂપે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. વડોદરા, ભરૂચ અને નર્મદાનાં 42 ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નાંદોદ તાલુકાનાં સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, અને ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાનાં વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોને એલર્ટ કરાયા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક