• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

રાજકોટમાં રૂ.3 કરોડની ઠગાઈના ગુનામાં પકડાયેલ વી.પી. સ્વામી જેલ હવાલે

પોઈચા જેવું મંદિર બનાવવા જમીન ખરીદવાના બહાને કળા કરી’તી

રાજકોટ, તા.30 : રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે રૂ.3 કરોડની ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલા અને ફરાર થઈ ગયેલા વી.પી.સ્વામીને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સ્ટાફે ઝડપી લઈ એક દિવસના રિમાન્ડ પર લીધો હતો અને બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટના આદેશના પગલે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એ વી છે કે, મવડી વિસ્તારના નવલનગરમાં રહેતા જસ્મીન માઢક નામના એસ્ટેટ બ્રોકર અને તેના ભાગીદારને પોઈચા જેવું મંદિર બનાવવા માટેથી જમીન ખરીદવાના બહાને તગડુ કમિશન આપવાની લાલચ આપી રૂ.3 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આ અંગે જસ્મીન માઢકે જૂનાગઢ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ધોરી, પીપળજના ભૂપેન્દ્ર સના પટેલ અને લીંબ ગામના વિજય આલસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાંચે સુરતના લાલજી ઢોલા અને ભૂપેન્દ્ર પટેલ અને વિજય ચૌહાણને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા હતા.

દરમિયાન આ પ્રકરણની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. દરમિયાન સીઆઈડી ક્રાઈમે ઝાલણસરના સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી.સ્વામીને ઝડપી લઈ એક દિવસના રિમાન્ડ પર લીધો હતો અને રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટની કોર્ટમાં રજૂ કરતા કોર્ટના આદેશના પગલે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક