• બુધવાર, 13 નવેમ્બર, 2024

શિયાળાનો આરંભ ન થતાં રવી વાવેતરમાં મુશ્કેલી

દિવસે ભારે ગરમીને લીધે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરવી પડી

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.7 : ચોમાસાની વિદાય છેક ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં થઈ છે. જોકે એ સાથે ઠંડીનો આરંભ થવાને બદલે ભારે તાપ પડી રહ્યા હોવાથી હવે શિયાળુ વાવેતરમાં વિલંબ સર્જાય એમ છે. ખરેખર તો નવરાત્રિ ઉતરે પછી ખેડૂતો શિયાળુ વાવેતરની તૈયારી કરી લેતા હોય છે. દિવાળી પછી આશરે 20-25 ટકા વાવેતર સંપન્ન થઈ જતું હોય છે. જોકે આ વખતે ઋતુફેરને લીધે વાવેતર હજુ શરૂ જ થયું છે અને માંડ એક બે ટકા વિસ્તાર શિયાળુ પાકો હેઠળ આવી શક્યો છે.

ગુજરાતના કૃષિ વિભાગે 33,616 હેક્ટરમાં શિયાળુ વાવેતર નોંધ્યું છે. જે અગાઉનાં વર્ષમાં 2.73 લાખ હેક્ટર હતું. ગરમીને લીધે વાવેતરનો આરંભ અતિશય નબળો થયો છે. શેરડી એકમાત્ર એવો પાક છે જેનો વિસ્તાર         (જુઓ પાનું 10)

 

 

જ 85 ટકા જેટલો છે. શેરડીનું વાવેતર સરકારે 28,323 હેક્ટર નોંધ્યું છે. એ સિવાય જુવાર અને ચણાના મામૂલી વાવેતર શરૂ થયાં છે. શાકભાજી અને ઘાસચારાના પાકનું વાવેતર સાધારણ છે. ઘઉંનાં વાવેતર થઈ શકે એવી પરિસ્થિતિ હજુ રચાઈ નથી.

સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં સવારના ભાગે થોડી ઠંડક રહે છે પણ પછી આકરો તાપ પડતો હોવાથી ખેડૂતો વાવેતર કરવામાં સાવધાની વર્તી રહ્યા છે. તાપમાન ઊંચું છે એટલે ખેડૂતો માટે સરકારે વિશેષ એડવાઇઝરી જારી કરી છે.

સરકારે કહ્યું છે કે, વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. વાતાવરણને લીધે પાક ન ગુમાવે તે માટે ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ.

રવી પાકનાં બીજને સ્ફૂરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન વાવેતર ટાળવું હિતાવહ છે. રવી પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગમચેતીનાં પગલાંને અનુસરીને ખેડૂતો નુકસાનને નિવારી શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024