• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

‘વેચેલો માલ પાછો નહીં રાખીએ’ દુકાનોમાં આવાં પાટિયા નહીં લાગે ગ્રાહક ખરીદેલો માલ દુકાનદારને પરત આપી શકશે, ગુજરાત સરકારનો પરિપત્ર

દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકશે

અમદાવાદ, તા.11 : ‘વેચેલો માલ પાછો નહીં રાખીએ’ કેટલીક દુકાનોમાં આવા પાટિયા લાગ્યાં હોય છે. જોકે હવે એ ભૂતકાળ બની જશે.

 ગુજરાત સરકારે ગ્રાહક અધિકારના રક્ષણ માટે એક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં જણાવાયું છે કે કોઈપણ ગ્રાહક જે રીતે વસ્તુ ખરીદે છે, તે જ રીતે દુકાનદારને વસ્તુ પરત કરી શકે છે. દુકાનદાર તે વસ્તુ પરત લેવાની ના પાડી શકતો નથી. જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો ગ્રાહક દુકાનદાર કે વેપારી વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાતે જ નિયમો બનાવી શકશે નહીં. જો વેપારી દોષી સાબિત થાય તો તેને દંડ પણ થઈ શકે છે અને સજા પણ થઈ શકે છે.

અહીં નોંધવું ઘટે કે, જ્યારે પણ કોઈ શાપિંગ મોલ કે દુકાન પર જાવ છો ત્યારે ઘણી જગ્યાએ લખેલું જોયું હશે કે વેચાયેલો સામાન પરત નહીં આવે. દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. ગ્રાહક સુરક્ષા કાયદા અન્વયે પણ જો દુકાનદારે ગ્રાહકને કોઈ સામાન વેચી દીધો હોય અને તે ગ્રાહકની જરૂરિયાત મુજબ ન હોય તો ગ્રાહક તેને પરત કરી શકે છે.

જો ચીજ વસ્તુમાં કોઈ ખામી જોવા મળે તો તેને બદલવાનો ગ્રાહકને અધિકાર છે. તેમજ જો ગ્રાહકને માલ પરત કરવો હોય તો દુકાનદાર માલના પૈસા પરત આપી શકે છે. એટલું જ નહીં ખરાબ માલનાં કારણે જો ગ્રાહકને કોઈ નુકસાન થાય છે તો તે નુકસાન માટે ગ્રાહક વળતરનો દાવો પણ કરી શકે છે.

જો કે, ઘણા લોકોને કદાચ આવા કેસો વિશે ક્યાં ફરિયાદ કરવી તે વિશે ઓછી જાણકારી હોય છે. ખરીદેલા માલ સામાન વિશે ગ્રાહકો જિલ્લા ગ્રાહક ફોરમ, રાજ્ય ગ્રાહક આયોગ અને રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જ ગ્રાહક બાબતોનાં મંત્રાલયની વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક