• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

મગફળીમાં મંદી થતાં ટેકાના ભાવથી ખરીદીનો શુભારંભ

મુખ્યપ્રધાને હિંમતનગરમાં ખરીદી કરાવી, ઠેર ઠેર પ્રધાનો-આગેવાનોના હસ્તે આરંભ

રાજકોટ (સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ) તા.11 : પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાતમાં મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવથી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં મુખ્યપ્રધાન સહિત પ્રધાનોના કાફલાએ ખરીદીની શુભશરૂઆત કરાવી હતી. રાજ્યમાં કુલ 160 કરતા વધારે કેન્દ્ર 90 દિવસ સુધી મગફળી સહિતની ચીજો ખરીદશે. 3.70 લાખ કરતા વધારે ખેડૂતોએ માલ વેચાણ માટે નોંધણી કરાવી છે

હિંમતનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખરીદીનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે, ખેડૂતોને પૂરતુ પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવ મળે તે માટે અમે પૂરતી મદદ કરીશું. એમ થાય તો ખેડૂતો પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે.

મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યનો પિયત વિસ્તાર 62 લાખ હેક્ટર થઇ ગયો છે અને ઉત્પાદન પણ લાખો ટન થઇ ગયું છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.

રાજકોટના જૂના યાર્ડમાં મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ચેરમેન જયેશ બોઘરાની હાજરીમાં તથા વાઇસ ચેરમેન વિજય કોરાટની આગેવાનીમાં ખરીદી શરૂ કરાઇ હતી. રોજ યાર્ડમાં ખરીદી શરૂ રખાશે. બે હેક્ટરે 200 મણ ખરીદી થશે અને 200 ગ્રામ મગફળીમાં 140 ગ્રામ દાણા નીકળે તેવી શરત રાખવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ખરીદીનો શુભારંભ સાંસદ રૂપાલા તથા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરીમાં કરાયો હતો. ખેડૂતોને યાર્ડમાં રૂ. 900-100ના ભાવ મળે છે તેની સામે ખેડૂતોને ખરીદીમાં રૂ. 1356 મળતા રાજીપો હતો. ખેડૂતો ખૂલ્લા બજારમાં મગફળી વેચે નહીં અને સરકારને વેંચે તેવું આહવાન રૂપાલાએ કર્યું હતું. તેમણે કહ્યું કે, અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓ નક્કી કરે તો મગફળીનું તેલ કાઢી અને તે ખૂલ્લા બજારમાં વેચવામાં આવે તો વધારે ફાયદો થાય. ખેડૂતોએ પોતે પણ તેલ કાઢીને બજારમાં વેચવા આયોજન કરવું જોઇએ.

જૂનાગઢમાં 9 કેન્દ્ર ખાતે ખરીદીનો આરંભ કરાયો હતો. પ્રથમ દિવસથી દરેક કેન્દ્રમાં 10-15 ખેડૂતોને બોલાવાયા હતા. હવે સરકાર છૂટથી ખરીદી કરશે.

પોરબંદરમાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ-રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ મગફળીની ખરીદીનો આરંભ કરાવ્યો હતો.  તેમણે આ તકે શહેરમાં ચાલતી દુલિપ ક્રિકેટ સ્કુલની પણ મુલાકાત લીધી હતી.

માંગરોળ યાર્ડમાં ગુજકોમાસોલનું ખરીદ કેન્દ્ર શરૂ થતાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને યાર્ડના ચેરમેન વાલભાઇ કેરની હાજરીમાં પ્રથમ દિવસે 134 ગુણી ખરીદવામાં આવી હતી.

સૂત્રાપાડાના પ્રાંચી નજીક આવેલા પ્રાસલી યાર્ડમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ દ્વારા ખરીદીનો આરંભ કરાવાયો હતો. તાલુકામાં મગફળીનું સૌથઈ વધારે 4600 અને સોયાબીનમાં 600 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે.

તાલાલા માર્કેટ યાર્ડમાં મગફળી માટે 2658 ખેડૂતો અને સોયાબીન માટે 850 ખેડૂતે નોંધણી કરાવી છે. માલજીંજવા ગીર ગામની એકતા મંડળી મારફત આજથી ખરીદીનો આરંભ થયો હતો. યાર્ડના ચેરમેન સંજય શીંગાળા અને સંસ્થા પ્રમુખ રાજાભાઇ વાઢેરની હાજરીમાં શરૂઆત થઇ હતી.

-------------------

અમરેલી યાર્ડમાં કપાસની રિક્ષા હવામાં લટકી

અમરેલી યાર્ડમાં કપાસ અને મગફળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે. નાના મોટાં વાહનો પણ આવતા હોય છે. હરાજીની કામગીરી દરમિયાન આજરોજ ઓવર લોડ થયેલી કપાસની એક રિક્ષા ઉંચી થઇ ગઇ હતી. મજૂરોએ આ રિક્ષાને સરખી કરી હતી. અલબત્ત એમાં કોઇને ઇજા પણ થઇ ન હતી.

-----------------------------------

હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેંચવા છ કિમીની કતાર

જામનગરમાં મગફળીના ભાવ ખૂબ ઉંચા મળતા હોવાથી ખેડૂત દૂર દૂરથી વેચાણ માટે આવે છે. સોમવારે આવકને પ્રવેશ અપાતા કુલ 900 વાહન એકસાથે ઉમટી પડતા આશરે 6 કિલોમીટરની લાઇન યાર્ડ બહાર લાગી ગઇ હતી. 24થી 48 કલાક સુધી લાઇનો લાગેલી રહી હતી. યાર્ડમાં ટોપક આપ્યા પછી પ્રવેશ અપાયો હતો. મગફળી ખરીદવા દર વર્ષે છેક તામિલનાડુંથી વેપારીઓ આવે છે. યાર્ડમાં દિવસના અંતે 75 હજાર ગુણીની આવક થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક