• બુધવાર, 13 નવેમ્બર, 2024

સીંગતેલના ચીનમાં નિકાસ સોદાનો આરંભ

ક્ષમગફળીનું બમ્પર ઉત્પાદન થવાના અંદાજો વચ્ચે ભાવ વધુ ન તૂટવાની આશા બંધાઇ

રાજકોટ, તા.8: (ફૂલછાબ ન્યૂઝ) નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઇ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઇ છે અને થોડાં સોદા પણ થયાં છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક રહેવાની ધારણા છે, ભાવ ટેકા કરતા નીચે જતા રહેતા સૌરાષ્ટ્રનું સીંગતેલ ખરીદવા ચીન આગળ આવ્યું છે. વિશ્વ બજારમાં ભારતીય તેલ સસ્તું હોવાથી કામકાજની શરૂઆત થઇ છે એમ બ્રોકરોએ જણાવ્યું હતુ.

સીંગતેલનું ઉત્પાદન દશેરા પછી સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે શરુ થયું હતુ. હવે દિવાળી પછી મિલોમાં ધમધમાટ વધ્યો છે. એક ટકો અને બે ટકા એફએફએવાળું તેલ ધૂમ બને છે અને વેચાય છે. બ્રોકરોએ કહ્યા પ્રમાણે 1630-1650ના ભાવથી 2 ટકાવાળા તેલના સોદા ચીન માટે શરૂ થયા છે. અલબત્ત જથ્થો હજુ નાનો છે પણ ચીનને સૌરાષ્ટ્રના સીંગતેલની ખરીદી કરવા છેલ્લાં કેટલાક વર્ષોથી લગભગ દર સાલ આવવું પડે છે. આશરે એકથી દોઢ લાખ ટનની ખરીદી આ વર્ષે પણ કરે તેવી સંભાવના છે.

તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે આયાત જકાતમાં મોટો વધારો કરતા પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલ મોંઘા થઇ ગયા છે. સસ્તાં હોવાને લીધે સીંગતેલ અને કપાસિયા તેલ સાથે આયાતી તેલની સીધી હરિફાઇ રહેતી હતી. જોકે ડયૂટીને લીધે આયાતી  તેલ મોંઘા થયા છે અને કપાસિયા તેલ પણ સસ્તું નથી બચ્યું. આ સંજોગમાં સીંગતેલમાં વપરાશી માગનું જોર વધારે આવી ગયું છે. સીંગતેલની ખપત લોકલમાં વધી છે. નિકાસ માટે પૂછપરછ પણ સારી છે.

બ્રોકરોએ કહ્યું કે, ચીનને ભારત સિવાય હાલ તો ક્યાંયથી સસ્તું સીંગતેલ મળે એવા સંજોગ દેખાતા નથી એટલે સોદા શરૂ થયા છે. હવે આગળ જતા કેવા સોદા થાય છે એના પર સૌની નજર છે.ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદ 40થી 42 લાખ ટન વચ્ચે થશે એમ ધારવામાં આવ્યું છે. ઉત્પાદન પાછલી સીઝન કરતા 10 લાખ ટન જેટલું વધારે દેખાય છે. મગફળીના ભાવ એ કારણ પર ઘટીને ટેકાના ભાવ રૂ.1356ની નીચે આવી ગયા છે. ટેકાના ભાવથી 11મી નવેમ્બરના દિવસથી ખરીદીનો આરંભ પણ થવાનો છે. એ પૂર્વે નિકાસ સોદા પડતા મગફળીના ભાવને ટેકો મળે તેવી શક્યતા ઉજળી બની છે. ભારેખમ પાક છે એટલે નિકાલ પણ સરળ બની જાય એમ છે.

સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ અત્યારે 1 ટકામાં રૂ. 1510 ચાલી રહ્યો છે. 2 ટકાનો ભાવ તેનાથી આશરે રૂ. 50 જેવો નીચો ચાલે છે. ચીનની ખરીદી સારી રહે તો ખેડૂતોને લાભ મળશે. સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બેથી અઢી લાખ ગુણી વચ્ચે રોજબરોજ થવા લાગી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024