• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

કપાસિયા ખોળમાં ભારે કડાકાથી કપાસ-રૂમાં મંદીનો માહોલ

કપાસિયા ખોળ ટોપ લેવલથી $ 525 જેટલો તૂટયો, ઓછાં પાકના અંદાજ છતાં કપાસમાં ઘટાડો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા.18 : કપાસનું ઉત્પાદન ઘટવાના અંદાજો છતાં સમગ્ર બજારમાં વ્યાપક મંદી છવાઇ જતાં કિસાનો, જિનીંગ મિલો અને યાર્ન ઉત્પાદકો બધા જ મુંઝાયા છે. દિવાળી પછી એકતરફી ઘટાડો તમામ ચીજોમાં થઇ રહ્યો હોય નબળા વર્ષમાં ય તેજીની આશા રાખી રહેલો કિસાન સૌથી વધારે દુ:ખી છે. એમાં ય કપાસિયા અને ખોળમાં બોલી ગયેલા કડાકાથી બજારમાં ચિંતા વધી ગઇ છે.

કપાસિયાનો ભાવ દિવાળી પૂર્વે રૂ. 700-725 હતો. અત્યારે રૂ. 675-700 થઇ ચૂક્યો છે. જોકે મહિનામાં રૂ. 125નો ઘટાડો થયો છે. બીજી તરફ કપાસિયા ખોળ દિવાળી પૂર્વે રૂ. 1775-1860 હતો એના અત્યારે રૂ. 1450-1550 છે, કુલ રૂ. 310-325 તૂટયાં છે. જોકે મહિનામાં રૂ. 500-525નો ધ્રુજારો આવી ચૂક્યો છે.

કપાસિયા અને ખોળની વ્યાપક મંદી વિષે કલ્પના તો હતી કારણકે ભાવ વિક્રમી ઉંચા હતા. જોકે જે ઝડપથી ભાવ તૂટયાં છે એનાથી બજારમાં સન્નાટો વ્યાપી ગયો છે. અગ્રણી બ્રોકર અવધેશ સેજપાલ કહે છેકે, બજાર ખૂબ જ ઉંચે જતી રહી હતી. એ મોટું કારણ છે કારણકે ખોળ ખૂબ મોંઘો થતાં પશુપાલકોને પોસાણ ન હતું. પશુધનના ખોરાક માટે પાલકોએ ડીડીજીએસ સહિતના અન્ય ખોરાક તરફ ધ્યાન આપતા માગને 30-40 ટકા જેટલો ફટકો પડયો છે. તેનું આ પરિણામ છે. હવે ખોળ ઘટે છે પણ માગ અઘરી છે.

તેમણે ઉમેર્યું કે, આપણા કપાસનું જિનીંગ થવા લાગ્યું છે. જોકે કપાસિયામાં તેલની ટકાવારી ઓછી છે. એ પણ મંદીનું કારણ છે. કપાસિયા તેલના ભાવ તોતિંગ ઉંચા છે એટલે પણ ખોળ ઘટે છે. કપાસિયા ખોળના ડિસેમ્બર વાયદામાં રૂ. 175ના કડાકા સાથે નીચલી સર્કિટ હતી અને ભાવ રૂ. 2750 બંધ થયો હતો. ખોળના ભાવ તૂટવાને લીધે હવે એક બાબત સારી બની છેકે મિક્સિંગ ખોળનું ચલણ સાવ ઘટી ગયું છે. અગાઉ મિક્સિંગને લીધે વ્યાપક અસર અસલી ખોળને થતી હતી. હવે સારા અને ભેળસેળિયા ખોળ વચ્ચે બદલો માત્ર રૂ. 100નો રહ્યો છે એટલે તે ચાલતા નથી.

બજારમાંથી મળતી માહિતી પ્રમાણે પાછલા ત્રણ દિવસમાં એક્સચેંજ ડિલિવરીમાં હેજરોએ ખોળમાં રૂ. 1375-1460માં આશરે 30-32 હજાર ગુણીના કામકાજ કર્યા હોવાના સમાચાર છે. આ ખોળ 1થી 15 ડિસેમ્બર ડિલિવરીની શરતનો હશે.

કપાસના ભાવમાં પણ દિવાળી પછી રૂ. 50 નીકળી ચૂક્યાં છે. મહિનામાં રૂ. 70 ઘટયા છે. કપાસનો ભાવ પ્રમાણમાં ઓછો પ્રભાવિત થયો છે. રૂનો ભાવ ખાંડી એ રૂ.500થી 600 ઘટીને રૂ. 53800-54200 થઇ ગયો છે. જોકે મહિનામાં રૂ. 1800ની મંદી થઇ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક