પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી 22 ડિસેમ્બરે લોન્ચ કરશે : વડોદરાના પૂર્વ મેયર રાજેન્દ્રાસિંહ રાઠોડ પાર્ટીના અધ્યક્ષ
અમદાવાદ, તા.20 : ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એમ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલતું રહેતું હોય છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજનેતા શંકરાસિંહ વાઘેલા ફરી નવા રંગરૂપ સાથે રાજકારણના મેદાને ઉતરવા જઈ રહ્યા છે. શંકરાસિંહ બાપુ પોતાની જૂની પરંતુ નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી 22 ડિસેમ્બરે લોન્ચ કરવા જઈ રહ્યા છે.
મહત્વનું છે કે, શંકરાસિંહ વાઘેલા વર્ષ 2022માં જ પોતાની આ પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવા માગતા હતા પરંતુ એ સમયે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું રજિસ્ટ્રેશન થયું ના હતું. જેના કારણે હવે તેઓ પોતાની નવી પાર્ટી લોન્ચ કરશે અને આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાને ઉતારશે.
અહીં નોંધવું ઘટે કે, શંકરાસિંહ વાઘેલાએ વનવગડા પર પોતાના જૂના સાથીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં 22 ડિસેમ્બરે પાર્ટીનું લોન્ચિંગ નક્કી કરવામાં આવ્યું હતું. તેમની પાર્ટીમાં વડોદરાના પૂર્વ મેયર રાજેન્દ્રાસિંહ રાઠોડ આ પાર્ટીના અધ્યક્ષ છે અને યુસુફ પરમાર ઉપાધ્યક્ષ છે. જ્યારે પાર્થેશ પટેલ જે અત્યારે શંકરાસિંહ બાપુનું સોશિયલ મીડિયા સંભાળે છે તેમને પાર્ટીના ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે.
શંકરાસિંહ વાઘેલા જ્યારે 22 ડિસેમ્બરે પોતાની નવી પાર્ટી લોન્ચ કરશે ત્યારે કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી ગઈ હોય તેવું પણ બને અને આ ચૂંટણીમાં જો શંકરાસિંહ બાપુ પોતાનો ઉમેદવાર ઉતારે તો ભાજપ અથવા કોંગ્રેસ કોઈ એક પક્ષને તો ચોક્કસપણે નુકસાન જાય તેવું બની શકે ત્યારે હવે નિવૃત્તિના સમયે શંકરાસિંહ બાપુ હવે ફરી મેદાને આવી રહ્યા છે, આ સ્થિતિમાં તેમની આગળની રણનીતિ કેવી હશે તે જોવાનું રહ્યું.