• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

જામનગરના યમુના મોટર્સના માલિકોએ સરકાર સાથે કરી 1.60 કરોડની ઠગાઈ ગ્રાહકો પાસેથી વેરો ઉઘરાવી સરકારમાં ન ભરતા રાજ્ય વેરા અધિકારીએ નોંધાવી આઠ સામે ફરિયાદ

જામનગર, તા.19: જામનગર-રાજકોટ હાઇ વે પર ગુલાબનગર ઓવરબ્રિજ હાપા વિસ્તારમાં આવેલ યમુના મોટર્સ પ્રા.લી. નામની પેઢીના પેઢીધારકોએ વર્ષ ર007-ર008નાં વર્ષમાં સરકારને ભરવાનો થતો વેટ વેરો ભર્યો નથી. વર્ષ ર008 - ર009નો કુલ કિં.રૂ.1,06,40,751 અને (આજ દિન સુધીનું ચડત વ્યાજ) વેટ એક્ટ  ર00પ અંતર્ગતનો વેરો નહીં ભરી અને વેરો નહીં ભરવા ટાળવા માટેના પ્રયત્નો કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેટ અધિકારી દિવ્યેશભાઈ પરેશભાઈ રાણીપાએ પંચકોશી બી ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.

પેઢીધારકો પ્રાણજીવન પરમાણંદ ગોકાણી, સવીતાબેન પ્રાણજીવન ગોકાણી, રાહુલ પ્રાણજીવન ગોકાણી, તેજલ પ્રાણજીવન ગોકાણી, પ્રિયાંશુક સંજય ગોકાણી, સંજય પ્રાણજીવન ગોકાણી (રે.બધા યમુના બાલવાટીકા સામે હોસ્પિટલ રોડ દ્વારકા) તથા યોગેશકુમાર ભગવાનજીભાઈ વિઠ્ઠલાણી, પુષ્પાબેન યોગેશકુમાર વિઠ્ઠલાણી (રહે. ગાયત્રીકૃપા હનુમાન મંદિર રોડ, સૂરજકરાડી, ઓખામંડળ)ની પેઢી વેટ કાયદા હેઠળ નોંધણી થયેલી છે. જે પેઢી બંધ કરી દઈ આરોપીએ વર્ષ ર008-ર009થી સુધી વેટની બાકી રહેતી એક કરોડ ઉપરાંત રૂપિયાનો વેટ વેરો આજદિવસ સુધી ભર્યો ન હતો. સરકારી કચેરી તરફથી આજ દિવસ સુધી આરોપીઓને વેટ ભરી જવા વખતો વખત લેખિત  અને મૌખિક જાણ કરવામાં આવી હતી પરંતુ આરોપીઓ દ્વારા આજ દિવસ સુધી કોઈ સકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. જેને લઈને તમામ ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પેઢી બંધ થઈ તે પૂર્વે ભાગીદારો વચ્ચે વ્યવસાયને લઈને મનદુ:ખ થયું હતું. જેને લઈ પેઢી બંધ કરી દેવામાં આવી હતી. જો કે પેઢી બંધ કરી દીધા પછી વેટ ભરવામાં આવ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક