• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

આજથી ઠંડીનો ચમકારો : નલિયા 14.1, પોરબંદરનું 15.8 ડિગ્રી તાપમાન


ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા વધુ 3 ડિગ્રી સુધી તાપમાન ઘટે તેવી સંભાવના

 

અમદાવાદ, તા. 20 : રાજ્યમાં હવે ધીમે-ધીમે ઠંડી જામી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુતમ અને મહતમ તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.તેમજ 15.8 ડિગ્રી સાથે પોરબંદર રાજ્યનું બીજું ઠંડું શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતના દરેક જિલ્લામાં 2-3 ડિગ્રી પારો ગગડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા વધુ 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ, બોટાદ, ડાંગ, જૂનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. 

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડે તેવી સંભાવના છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. 21થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.

દરમિયાનમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 14.1 ડિગ્રી સાથે કચ્છનું નલિયા શહેર સૌથી ઠંડુ રહ્યું છે, જ્યારે ડીસા 15.9 ડિગ્રી, અમરેલીનું 16.4 ડિગ્રી, વડોદરા 17 ડિગ્રી, ગાંધીનગર 17.4 ડિગ્રી, પોરબંદર 15.8 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક