યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ સરકાર વાર્ષિક રૂ.5000 ખર્ચશે
પ્રકાશ જ્હા
ગાંધીનગર, તા. 20 : રાજ્યમાં ધો.8 પછી વધતા જતા ડ્રોપ આઉટ રેશિયોને નાથવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિવહન યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળા પછી માધ્યમિક શાળાઓ માટે પણ ટ્રાન્સપોર્ટ સુવિધા આપવાનો આ નિર્ણય ખૂબ મહત્ત્વનો પૂરવાર થશે. તેવો વિશ્વાસ શિક્ષણ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે.
રાજ્યમાં ધો.8 પછી ર1 ટકાથી વધુ બાળકો શાળા છોડી જતા હોવાનું ધ્યાને આવતાં સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે. સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક સુરક્ષિત રીતે શાળા સુધી આવાગમન કરી શકે તે માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે.
વધુમાં, સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે યોજનાઓનો વ્યાપ વધારી સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ - 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી આવાગમન માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.
વિદ્યાર્થીના રહેણાકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા 04 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. સમગ્ર શિક્ષા ફ્રેમ વર્કના ઇમ્પ્લિમેન્ટેશનના ક્લોઝ નં. 2.5.2 અને 2.5.9 મુજબ ડિસ્ટન્સ ટેરેઈન, ટાઇપ ઓફ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીને આધારે વિદ્યાર્થી દીઠ મહતમ રૂ.500 પ્રતિ માસ લેખે વાર્ષિક રૂ.5000ની મર્યાદામાં પરિવહન ખર્ચ ચૂકવવામાં આવશે.