અમદાવાદ, તા. 3: ગુજરાત યુનિવર્સિટીમાં
વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ થયો છે. બીકોમ સેમ-1નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું
પેપર ફૂટયા હોવાના આક્ષેપ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી
દ્વારા 300 રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ એનએસયુઆઇ દ્વારા કરવામાં
આવ્યો છે. આ ઘટનાની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા છે.
સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ
ચેટ વાયરલ થઈ છે તેમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જો પેપર પ્રમાણે
ન પુછાય તો પૈસા પાછા. 100 વિદ્યાર્થીઓ ભેગા મળી 300-300 રૂપિયા આપે તો એક પેપર આપવાની
વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે, અમને ફરિયાદ
મળશે તો અમે કાર્યવાહી કરીશું.
એનએસયુઆઇએ કરેલા આક્ષેપ અનુસાર,
ગાંધીનગરમાં રહેતા એક યુવકે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટીના
બીકોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને એડ કર્યા હતા.1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષાના
એકાઉન્ટ્સના પેપર ગ્રુપમાં વેચવાનું જણાવ્યું હતું. આ પેપર એક વિદ્યાર્થી દીઠ 300 રૂપિયામાં
આપવાનું હતું. 100 વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ 30 હજારમાં
પેપર વેચવાનું હતું પરંતુ 60 લોકોએ જ પૈસા આપતા 18 હજાર રૂપિયા લીધા હતા.