• બુધવાર, 12 માર્ચ, 2025

ડુંગળીના કિસાનો ભરસીઝને ઉંચા ભાવથી ખુશખુશાલ

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આવક વિલંબિત થતા ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને ગયા વર્ષથી બમણાભાવનો લાભ

રાજકોટ, તા.14(ફૂલછાબ ન્યૂઝ) : ડુંગળીના કિસાનોના અચ્છેદિન આવ્યા છે. પાછલા ત્રણ મહિનાથી લગાતાર ઉંચો ભાવ મળી રહ્યો હોવાથી આ વર્ષે ડુંગળીની ખેતી ફળી છે. સારી ડુંગળી મણે રૂ. 450થી સસ્તી થઇ નથી અને ઉંચામાં રૂ. 650 સુધી વેચાઇ છે એટલે ડુંગળીના કિસાનો ખુશ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ડુંગળીની આવકો કોઇપણ કારણસર મોડી પડી છે, અપૂરતો માલ આવે છે એટલે તેજીનો માહોલ છે.

ગુજરાતભરમાં લાલ અને સફેદ ડુંગળીનો કુલ મળીને અઢી લાખ ગુણી જેટલો પુરવઠો આવી રહ્યો છે. આવકના બળે ફેબ્રુઆરી મહિનામાં ભાવ તૂટવા લાગે છે પણ આ વખતે ઉલ્ટી ગંગા છે. કિસાનો હરખમાં છે કારણકે ભાવ ઉંચા મમળે છે. લાલ ડુંગળીના ભાવમાં ચાલુ સપ્તાહે જ ચાર દિવસમાં મણે રૂ.100ની તેજી આવી ગઇ છે. લાલ ડુંગળીનો ભાવ ઠેર ઠેર મણે રૂ. 250-650 સુધી બોલાય રહ્યો છે. પાછલા વર્ષે આ સમયે મણે રૂ. 100-300 સુધીના ભાવ મળતા હતા. એ જોતા બમણો ભાવ મળે છે. સફેદ ડુંગળીનો ભાવ રૂ. 221-425 જેવો ચાલે છે. એ પાછલા વર્ષમાં રૂ. 200-300 હતો.

મહુવા યાર્ડના સેક્રેટરી વિ.પી. પાંચાણી કહે છે, રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ ડુંગળીની આવક ધીમી અને અપૂરતી છે. પરિણામે ગુજરાતના માલમાં ઉપાડ ખૂબ સારો છે. સૌરાષ્ટ્રમાં મહુવા, ભાવનગર, ગોંડલ, રાજકોટ, તળાજા જેવા સેન્ટરમાં મહત્તમ આવક થાય છે. કુલ અઢી લાખ ગુણી જેટલી ડુંગળી આવે છે. લાલ ડુંગળી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ગાડીઓ મારફતે મોકલાય છે. મહારાષ્ટ્રની નબળી આવકને પગલે ખરીદનારા ગુજરાત તરફ વળ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આવક સરખી ન થાય ત્યાં સુધી ડુંગળી સસ્તી થાય એમ નથી. ચાલુ વર્ષે ગુજરાતમાં પાક પાણી સારા છે. ઉત્પાદન વધ્યું છે. રવી સીઝનમાં પણ વાવેતર અને ઉત્પાદન સારા મળવાના એંધાણ છે. એ જોતા ભાવમાં માસાંતે ઘટાડો થવાની શક્યતા છે. રોપલીનું પણ બમ્પર વાવેતર ગુજરાતમાં છે.

વેપારીઓ કહે છે, સફેદ ડુંગળી યાર્ડમાં રૂ. 220-440 સુધી વેચાય છે. સફેદનો ભાવ ઉંચો છે છતાં નબળા માલ ડિહાઇડ્રેશન યુનિટો દ્વારા ખરીદવામાં આવે છે. મહુવામાં ડિહાઇડ્રેશનની આશરે 30-35 ફેક્ટરીઓ શરૂ થઇ ગઇ છે. તેમના દ્વારા રૂ.220-280વાળા માલ ખરીદવામાં આવે છે. લાલના ભાવ ઉંચા છે એટલે સફેદ વપરાશમાં જાય છે. વપરાશકારો રૂ. 280-300 વાળી સફેદ ડુંગળી ખરીદે છે. જોકે બેસ્ટ માલ રૂ. 400-425 સુધી વેચાય છે. નિકાસમાં બેસ્ટ માલ મોકલવામાં આવે છે.

શિયાળુ ડુંગળીનું વાવેતર ગુજરાતમાં 93,515 હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષના 69,183 હેક્ટર કરતા 35 ટકા વધારે છે. આમ નવો પાક સવાયો છે. જે આવનારા દિવસોમાં ભાર પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક