• શુક્રવાર, 09 મે, 2025

‘દ્વારકામાં ભગવાન ક્યાંથી મળે? દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’

સ્વામી નારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં થયેલા કથિત ઉલ્લેખથી ફરી વિવાદ

દ્વારકા તા. 22:  (ફૂલછાબ ન્યૂઝ) સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી વારંવાર થતા વિવાદોમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. સ્વામી નારાયણ સંપ્રદાયના એક ગ્રંથમાં એવું લખ્યું છે કે ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે. આ ગ્રંથ-પુસ્તકની વાત વહેતી થતાં દ્વારિકાધીશના ભક્તો-ભાવિકોમાં રોષ ફેલાયો છે. ફરી એક વિવાદ વકરવાની શક્યતા છે.

શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો નામના એક પુસ્તકમાં 33 નંબરની વાર્તામાં એવો ઉલ્લેખ છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. આ વાત ફેલાતાં સનાતનધર્મીઓમાં, દ્વારિકાધીશના ભાવકોમાં રોષ ફેલાયો છે. દ્વારકાના સ્થાનિકો, હિન્દુઓના સંતોએ પણ તેનો વિરોધ કર્યો છે. થોડા સમય પુર્વે એક સંતે જલારામબાપા વિરુદ્ધ નિવેદન કર્યું હતું. તે પુર્વે હનુમાનજી વિશે આવી વાતો થઈ હતી.  સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના સંતો તરફથી આ બધું સતત થતું રહેતું હોય છે.

જલારામબાપા વાળો વિવાદ માંડ શમ્યો ત્યાં વળી આ નવી સ્થિતિ ઉભી થઈ છે.

શંકરાચાર્યજીએ નિવેદન વખોડયું

દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે સખત શબ્દોમાં આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે સનાતનધર્મીઓએ એક્તા બતાવવી જોઈએ. અંદર અંદરના વિવાદને ટાળીને હવે એક થવું રહ્યું. સનાતનધર્મીઓએ ક્યારેય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માટે અશોભનીય વાત કરી નથી. સ્વામીનારાયણ સંપ્રદાયે પણ સનાતનના દેવી-દેવતાઓ, ભગવાન સામેના અશોભનીય નિવેદનથી બચવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક