બાળકી હાથ ધોવા ઘરના પટાંગણમાં ગઇ અને દીપડો ઉઠાવી ગયો : એક દીપડો પાંજરે પુરાયો, વધુ પાંચ પાંજરા આ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા
લોઢવા તા,14 : સુત્રાપાડાના મોરાસા
ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો
અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં હાથ ધોવા ગઈ હતી ત્યારે અચાનક જ
દિપડો આવી ચડ્યો હતો અને બાળકીને ઉઠાવીને નજીકના બાવળીયા વિસ્તારમાં લઈ ગયો હતો અને
ત્યાં ફાડી ખાધી હતી.
ગામના સરપંચના બહાદુરાસિંહ ગોહિલએ
આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને
પકડવા કવાયત હાથ ધરી હતી. આખી રાત શોધખોળ કર્યા બાદ વહેલી સવારે સાત કલાકે બાળકી નજીકના
વોકળાના જાડી જાખરામાંથી મળી આવી હતી. બાળકીને તાત્કાલિક પીએમ અર્થે સુત્રાપાડા સરકારી
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ તકે વન વિભાગના અધિકારીએ જણાવ્યું
હતું કે આ સમગ્ર મામલે અમને ગામના સરપંચે જાણકારી હતી અને અમારો તમામ સ્ટાફ ફુલ નાઇટ
પેટ્રાલિંગ કરી એક દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો અને પાંચ પાંજરાઓ આ વિસ્તારમાં
ગોઠવવામાં આવ્યા છે. જો અન્ય દીપડા આ વિસ્તારમાં હશે તો તેને પણ પકડવામાં આવશે.
આ સમગ્ર મામલે પરિવારે આક્ષેપ
કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સાતથી આઠ દીપડાઓ વસવાટ કરે છે આ તમામ દીપડાને
વહેલી તકે પકડવામાં આવે તેવી માંગણી સરી હતી.