• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

પ્રદેશ ભાજપ અધ્યક્ષે તાજેતરમાં જેના ઢગલા મોઢે વખાણ કર્યા તે રાજકોટના રાજકારણમાં દિવાળી ટાણે અંધારું : એકપણ મંત્રી નહીં

1967થી 1971 વચ્ચે જ્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમજ 1990માં ભાજપ અને જનતાદળની મિશ્ર સરકાર હતી ત્યારે પણ મંત્રીમંડળમાંથી રાજકોટની બાદબાકી કરાઈ હતી !

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.17 : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો તાજેતરમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો અને જેમાં અધ્યક્ષે રાજકોટના ખાન-પાનથી લઈને નેતાગીરીના ઢગલા મોઢે વખાણ કર્યા પરંતુ આજે એ જ રાજકોટના એક પણ પ્રતિનિધિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સામેલ કરવામાં ન આવતાં સૌરાષ્ટ્રના રાજકારણની પાઠશાળા ગણાતા આ શહેરમાં વગર વેકેશને સોપો પડી ગયો છે.

રાજકોટ માટે આ પ્રકારનું આશ્ચર્ય નવી વાત નથી. આજથી અગાઉ બે વખત આ પ્રકારની ઘટના ઘટી છે જ્યારે રાજકોટમાંથી કોઈને મંત્રીપદ મળ્યું ન હતું. આ ઈતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીએ તો 1967થી 1971 વચ્ચે જ્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી ત્યારે મનોહરસિંહ જાડેજા (સ્વતંત્ર પક્ષ) અને ચીમનભાઈ પટેલ(જનસંઘ) ગુજરાત ધારાસભામાં પ્રથમ ધારાસભ્ય હતાં. આમ કોંગ્રેસ પક્ષની સરકાર હતી તેમજ બન્ને ધારાસભ્યો પણ અન્ય પક્ષના હોવાથી કોઈને મંત્રીપદ મળ્યું ન હતું.

બીજો ઘટનાક્રમ 1990નો છે જ્યારે ભાજપ અને જનતાદળની મિશ્ર સરકાર હતી. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં. બન્ને પક્ષના 10-10 પ્રતિનિધિઓ સરકારમાં હતાં પરંતુ એ સમયે સોમનાથ યાત્રા વખતે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ થતાં ગુજરાતની જનતાદળની સરકાર પાસેથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના 10 સભ્યોનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને કોંગ્રેસે જનતાદળને ટેકો આપવાનું શરૂ કર્યુ હતું. ચીમનભાઈ પટેલે સપ્ટેમ્બર 90થી લઈને તા.17-2-94 તેમના નિધન સુધી મુખ્યમંત્રીપદ ભોગવ્યું એ સમયે પણ રાજકોટમાંથી એકપણ પ્રધાન ન હતું.

વર્ષો બાદ આ વખતે રાજકોટને દિવાળીના પાવન પર્વે નિરાશ થવું પડયું છે. સ્વ.વિજયભાઈ રૂપાણીના નિધન રાજકોટ શહેર-જિલ્લા ભાજપ સંગઠન અને નેતાગીરી માટે આ સૌથી મોટો આંચકો છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આ એ જ રાજકોટ છે જ્યાંથી ઘનશ્યામભાઈ ઓઝા, કેશુભાઈ પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈ રૂપાણી જેવા મુખ્યમંત્રી મળ્યાં છે. જ્યાંથી વજુભાઈ વાળા જેવા નાણામંત્રી 18 વખત બજેટ રજૂ કરી ચૂક્યાં છે. તો આખરે એવું તે શું બન્યું કે, મંત્રીપદ માટે ધારાસભ્યોએ જોયેલા તમામ સ્વપ્નાઓ ઉપર પાણીઢોળ થઈ ગયું ?

ક્યાંક ને ક્યાંક શહેર ભાજપ સંગઠન તેમજ મનપામાં માઝા મૂકી ગયેલા નાના-મોટા જૂથવાદ, ભ્રષ્ટાચારને ડામવામાં વર્તમાન ધારાસભ્યોની નિક્રિયતા, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે એકજૂથની અપેક્ષાથી વધુ નિકટતા, સ્વ.વિજયભાઈ રૂપાણીના નિધન બાદ પડેલો ખાલીપો, તેમના અંતિમ યાત્રા પાછળનો રૂપાણી પરિવારની માથે થોપવામાં આવેલો ખર્ચ તમામ પરિબળો પણ આ માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.

ભાનુબેનનું પત્તુ કપાવાનું જ હતું : રિવાબાને તક મળતાં ડો.દર્શિતા શાહની થઈ બાદબાકી

રાજકોટથી ચૂંટાયેલા આ વખતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની વિદાય અંગે અગાઉથી અનુમાન હતું, કારણ કે, તેઓ હંમેશા તેમના વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવામાં છેક સુધી ‘ગાયબ’ જ રહ્યાં હતાં. આ ઉપરાંત ‘ટેન્ડરો’ના તાલમેલ પણ તેમને નડી ગયાં હતાં. ભાનુબેનના સ્થાને રાજકોટ પશ્વિમના ધારાસભ્ય ડો.દર્શિતા શાહની પસદંગી થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવારમાંથી આવતા ડો.દર્શિતા શાહના નામનો અગાઉ પણ સ્વીકાર દિલ્હી કરતું આવ્યું છે. બે-બે વખત તેમને ડે.મેયર બનાવવામાં આવ્યાં છે, આ વખતે ક્યાંકને ક્યાંક રિવાબા જાડેજાને તક આપવામાં આવતાં ડો.દર્શિતા શાહની બાદબાકી કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વાઘાણી-વેકરિયાને તક મળતાં રમેશભાઈ ટીલાળાનું પત્તુ કપાયું

વ્યાપાર જગતમાં મોટુ નામ ગણાતા,ખોડલધામ સમર્થિત ધારાસભ્ય રમેશ ટીલાળા પણ મંત્રીપદની રેસમાં સામેલ હતાં પરંતુ આજે જાહેર થયેલા નામોમાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત બે લેઉવા પાટીદાર ધારાસભ્યોનો સમાવેશ થતાં રમેશભાઈ ટીલાળાનું પત્તુ કપાયું છે.

પાટીલની વધુ નજીક હોવું કાનગડને નડયું !

રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે પ્રદેશ સંગઠન અને ઉપલાકાંઠે કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને તેમને મંત્રીપદ મળે તેવું ગણિત પણ માંડવામાં આવ્યું હતું પરંતુ તે પણ ખોટુ પડયું છે. પાટીલની ખૂબ જ નજીક હોવાના કારણે કાનગડનું પત્તુ કપાયું હોવાની પણ ચર્ચાઓએ વેગ પકડયો છે, કાનગડનો રોષ ખાળી શકાય તે માટે અંજારના ત્રિકમ છાગાને આહિર તરીકે મંત્રીપદ સોંપવામાં આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક