• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ચિરોડી કલરના વેચાણ અને વપરાશમાં બોટાદ મોખરે !

જનકસિંહ ઝાલા

દિવાળીના તહેવારોમાં ઘર આંગણે રંગોળી કરવાની પરંપરા સદીઓ જૂની છે. હિન્દુ શાત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા તેમજ મા લક્ષ્મીનું આગમન થાય છે.

હાલ બજારોમાં ઠેર-ઠેર રંગોની ‘હાટડીઓ’ લાગી ચૂકી છે. સફેદ ચિરોડીનો પુરવઠો ઓછો આ વર્ષે કલરના ભાવોમાં 10 ટકાનો વધારો થયો છે જેનાથી વેપારીઓમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ ભાવ વધારો ગ્રાહકોને અસરકર્તા ન હોય તેમ પુષ્કળ પ્રમાણમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક વાંચકોને જાણીને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે, સૌરાષ્ટ્રમાં દિવાળી સમયે સૌથી વધુ ચિરોડી કલરનું વેચાણ અને વપરાશ બોટાદમાં થાય છે.

રાજકોટના સદર બજારમાં છેલ્લા 87 વર્ષોથી ચિરોડી કલરનો હોલસેલ અને રિટેલ વ્યાપાર કરતાં ભાવેશભાઈ અઢિયા જણાવે છે કે, ચિરોડી કલરના વપરાશ અને વેચાણમાં બોટાદ સૌથી મોખરે છે. તેઓ રાજકોટથી દર સીઝનમાં 600 ટન જેટલો કલર બોટાદ મોકલે છે.

 બોટાદ રાણપુર, પાળિયાદ, બરવાળા વગેરે ક્ષેત્રોને જોડે છે, છેક ખંભાતથી કલર માટેની ડિમાન્ડ બોટાદમાં આવે છે. આ ઉપરાંત બોટાદવાસીઓ રંગોળીને પ્રથમ પ્રાધાન્ય આપે છે, અહીં મોટા કદની પણ અનેક રંગોળીઓ થાય છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં મેંદરડા, કેશોદ, અમરેલી, ઢસા, ધારી, રાજુલા, વેરાવળ તેમજ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વલસાડ, વાપી, અંકલેશ્વર, દાદરાનગર હવેલી, દમણ, ઈડર, સતરામપુર, મોડાસા, ભીલોડા છેક અંબાજીના હોલસેલ અને રિટેલ વ્યાપારીઓ પણ રાજકોટથી ચિરોડી કલર લઈ જાય છે.

ભાવેશભાઈ જણાવે છે કે, તેઓની પાસે કલરની કુલ 57 વેરાયટી છે જેમાં 44 કલર સૌરાષ્ટ્રના તમામ ગામડાઓ અને શહેરોમાં પુષ્કળ પ્રમાણમાં વાપરવામાં આવે છે જ્યારે અન્ય 12 કલર રેડીયમ ફ્લોરોસન છે, આ પ્રકારના કલરોની રંગોળી કરવામાં આવે તો તે અંધારામાં પણ ચમકે છે. રિટેલમાં ચિરોડી કલરનો ભાવ પ્રતિ કિલોના રૂ.50 છે. આ વખતે ભાવમાં 10 ટકાનો વધારો થયો છે જે પાછળનું એક કારણ સરકારે સફેદ ચિરોડી કલરનો સ્ટોક મર્યાદિત કરી નાખ્યો છે, ખાણ કામ મર્યાદિત હોવાના કારણે સરકારની સૂચના અનુસાર હવે 400 ટનની તુલનાએ માત્ર રોજના 4 ટનની જ છૂટ મળે છે.

જો કે, બીજી તરફ સરકારે કલર બનાવવાની મશીનરીમાં લોન સબસીડી જાહેર કરી છે જેના કારણે અગાઉ 22 મિનિટમાં માત્ર 400 ટન કલર બનાવી શકાતો હતો પરંતુ હવે 1500 ટન બની શકે છે. આમ ચિરોડી કલરનું પ્રોડક્શન વધ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક