જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, ઘનશ્યામ ઓઝા, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને વિજય રુપાણી સૌરાષ્ટ્રમાંથી ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા
વિશેષ
પ્રતિનિધિ, રાજકોટ
ગુજરાત
સરકારના નવા મંત્રીમંડળના શપથ શુક્રવારને વાક્ બારસના શુકનવંતા દિવસે થશે. વિવિધ ચર્ચાઓ
વચ્ચે એક મુદ્દો એવો છે કે આ વખતે સૌરાષ્ટ્રનું મહત્વ- વર્ચસ વધશે. રાજકીય સમીકરણો
સતત પ્રવાહી અને પરિવર્તનશીલ હોય એટલે આવું બધું થતું રહેતું હોય. આમ પણ ભારતીય જનતા
પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રના કોઈ નેતાને જવાબદારી સોંપી નથી તેથી મંત્રીમંડળમાં
સૌરાષ્ટ્રના ધારાસભ્યોની સંખ્યા નોંધપાત્ર હશે તેવું શક્ય છે. જ્ઞાતિ સમીકરણો પણ સહજ
છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના વધી રહેલા પ્રવાસથી કદાચ
ભાજપ આવો નિર્ણય કરે તેવી વાયકા છે જો કે મંત્રીમંડળ જેવા મહત્વના નિર્ણયમાં આવી બાબતોની
વધારે અસર હોવાની શક્યતા નથી. કોણ મંત્રી બનશે, વર્તમાન જે છે તેમાંથી કોના નામની પાછળ
ફક્ત ધારાસભ્યનો હોદ્દો રહી જશે તે શુક્રવારે બપોરે ખબર પડી જશે. એક વાત સ્પષ્ટ છે
કે સૌરાષ્ટ્રને રાજ્યના મંત્રીમંડળમાં મહત્વ કંઈ આજે જ નથી મળી રહ્યું. રાજનીતિમાં
સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપનાના સમયથી મજબૂત છે.
ગુજરાતની
સ્થાપના થઈ ત્યારે 1960ની પહેલી મેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે જીવરાજ મહેતા અમરેલીના
વતની હતી. બળવંતરાય મહેતા ભાવનગરના હતા. ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ
રાજકોટના સાંસદ હતા. કેશુભાઈ પટેલનો પરિવાર સ્વતંત્રતા પુર્વેથી રાજકોટમાં વસતો. તેઓ
પણ વિસાવદરથી ચૂંટાયા હતા અને 1975માં રાજકોટથી ચૂંટણી લડયા હતા. નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના
વતની નહીં પરંતુ જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા-જીત્યા અને મુખ્યમંત્રીમાંથી ધારાસભ્ય
બન્યા. વિજય રુપાણીનો પારિવારિક ઉછેર, રાજકીય ઘડતર અને કારકિર્દી રાજકોટના રહ્યા. તેઓ
પણ મુખ્યમંત્રીપદે રહ્યા હતા.
સૌરાષ્ટ્રના
સાત જ જિલ્લા હતા ત્યારે પણ અહીંના ધાભ્સભ્યોને મંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી. રતુભાઈ
અદાણી, મનુભાઈ પંચોલી દેવજીભાઈ વાણવી, દલસુખભાઈ ગોધાણી મંત્રી રહી ચુક્યા છે. કોંગ્રેસના
માલદે ઓડેદરા પક્ષના પ્રદેશ પ્રમુખ અને મંત્રી હતા જેઓ પોરબંદરથી ચૂંટાયા હતા. વિજયદાસજી
મહંત પણ કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રી રહી ચૂક્યા છે. મનસુખભાઈ
જોશી શ્રમમંત્રી હતા. વલ્લભભાઈ પટેલ રાજ્ય સરકારમાં આરોગ્યમંત્રી હતા. મનોહરસિંહ જાડેજા
નાણામંત્રી, આરોગ્યમંત્રી તથા જીઆઈડીસીના ચેરમેન રહી ચૂક્યા છે. સુશીલાબેન શેઠ પણ આરોગ્યમંત્રીપદે
હતા. વજુભાઈની ઈનીંગ ઘણી લાંબી રહી હતી, તેઓ નાણામંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ રહ્યા.
કર્ણાટકના રાજ્યપાલ તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ઉમેશ રાજ્યગુરુ પણ ભાજપની પ્રથમ
સરકારમાં મંત્રી બન્યા હતા. ગોવિંદભાઈ પટેલ મંત્રી હતા. છેલ્લા મંત્રીમંડળમાં ભાનુબહેન
બાબરિયા, કુંવરજી બાવળિયા પણ સૌરાષ્ટ્રમાંથી છે. જેતપુરમાંથી સવજીભાઈ કોરાટ અને જમનાદાસ
વેકરિયા મંત્રીપદે રહ્યા છે.
ઉપલેટા
મતવિસ્તારે માતબર સંખ્યામાં મંત્રીઓ આપ્યા. જેરામભાઈ પટેલ, જયંતીભાઈ કાલરિયા, એન.પી.
કાલાવડિયા કોંગ્રેસના મંત્રી હતા. મો.લા. પટેલ ભાજપ અને રાજપા બન્નેની સરકારમાં મંત્રી
હતા. વાંકાનેર મતવિસ્તારમાંથી અમીયલ બાદી, પોપટ જીંજરિયા મંત્રી હતા. બાબુભાઈ જશભાઈ
પટેલ મુખ્યમંત્રી પદે રહ્યા પછી પણ ફરી ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી બન્યા હતા.
મોહનભાઈ કુંડારિયા મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. અમરેલી જિલ્લામાંથી પુરુષોત્તમ
રુપાલા 1995માં મંત્રી રહ્યા. મનુભાઈ કોટડિયા પ્રધાન હતા. બેચરભાઈ ભાદાણી, બાવકુભાઈ
ઉંધાડ ભાજપની સરકારમાં મંત્રી હતા. માધવસિંહ સોલંકીની સરકારમાં નવીનચંદ્ર રવાણી પ્રધાનપદે
હતા. રાજુલામાંથી માધુભાઈ ભુવા મંત્રીમંડળમાં હતા.
જામનગર
જિલ્લામાંથી મુળૂભાઈ બેરા, રાઘવજી પટેલ છેલ્લા મંત્રીમંડળમાં હતા. કોંગ્રેસે રમણલાલ
વારોતરિયાને આ તક આપી હતી. ડો. દિનેશ પરમાર મંત્રી હતા. આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ
જાડેજા પણ મંત્રી રહી ચૂક્યા છે. જૂનાગઢમાંથી 1974માં ચીમનભાઈની સરકારમાં દિવ્યકાન્ત
નાણાવટી કાનૂનમંત્રી હતા. 1975માં હેમાબહેન આચાર્ય પણ મંત્રી હતા. બચુભાઈ સોંદરવા,
માંગરોળમાંથી આયેશા બેગમ પ્રધાન રહી ચૂક્યા છે. પોરબંદરમાંથી બાબુભાઈ બોખીરિયા ભાજપમાંથી
મંત્રીમંડળમાં હતા અને કોંગ્રેસના શશીકાન્ત લાખાણી વિધાનસભાના સ્પીકર અને મંત્રી બન્ને
રહી ચૂક્યા છે. રાઘવજી લેઉવા પણ મંત્રી અને સ્પીકર હતા.
સુરેન્દ્રનગર
જિલ્લાએ કોંગ્રેસના કરમશી મકવાણા, ત્રંબકભાઈ દવેને ચૂંટીને મોકલ્યા અને તેઓ રાજ્યમાં
મંત્રી બન્યા હતા. ભાજપમાંથી આઈ.કે. જાડેજા, ફકીરભાઈ વાઘેલા, રમણભાઈ વોરા, ભીમાભાઈ
રાઠોડ, કિરીટસિંહ રાણા પણ મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે.