• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

સિનિયરો પીઠ થપથપાવે એટલે મંત્રીપદ મળે એવું નથી : રાદડિયાને ‘મેન્ડેટ’ નડી ગયો ?

રાજકોટના સહકાર સમેલનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે જયેશ રાદડિયાના ખભે હાથ મૂક્યો ત્યારે મંત્રીપદ મળવાની અટકળો શરૂ થઈ ગઈ હતી પરંતુ ગણિત ઉંધું પડયું

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, અમદાવાદ તા.17 : ભાજપ સંગઠન ક્યારે શું નિર્ણય લઈ બેસે તે ક્યારેય પણ નિશ્ચિત હોતું નથી, જાહેરમંચ પર ઘણી વખત આ સંગઠનના સિનીયર નેતાઓ પોતાના જૂનિયરોની પીઢ થપથપાવે છે પરંતુ એનો અર્થ એવો બિલકુલ થતો નથી કે, તેઓ તેમની ‘ગુડબુક’માં છે. આવા તો અનેક દાખલાઓ અને પ્રસંગો છે જ્યાં જે તે સમયે ભજવાયેલા દ્રશ્યોને આધારે લગાડવામાં આવેલા અનુમાનો ભવિષ્યમાં ખોટા સાબિત થયાં છે.

કંઈક એવું ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે બન્યું છે. રાદડિયાને મંત્રીપદ મળશે તેવી ચર્ચાઓ ચોરે ને ચોકે થઈ રહી હતી. તાજેતરમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત સહકાર મહાસંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. એ સમયે અમિતભાઈએ તેમની પીઢ થપથપાવીને ભરપૂર વખાણ કર્યા હતાં, જેને જોતા એવું લાગતુ જ હતું કે, આ વખતે રાદડિયાનું મંત્રીપદ નિશ્ચિત છે પરંતુ વિસાવદરની ચૂંટણીમાં પરાજય તેમજ ઈફ્કોની ચૂંટણીમાં પોતાના જ પક્ષ સામે કરેલો બળવો રાદડિયાને ભારે પડયો છે.

બન્યું એવું કે, ગુજરાતના તત્કાલીન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમીટેડ એટલે કે, ઈફ્ફોની ચૂંટણી વખતે ડિરેક્ટર ચૂંટાવાને મામલે રાજકારણ ગરમાયું હતું. ભાજપના પ્રદેશ પૂર્વ પ્રમુખ સીઆર પાટીલે આ ચૂંટણી માટે મેન્ડેટ બિપીન પટેલને આપ્યું હતું છતાં મેન્ડેટની વિરુદ્ધ જઈને રાદડિયાએ ફોર્મ ભયું હતું અને ચૂંટણી જીત્યાં હતાં. એ સમયે રાદડિયા પાટીલની નજરે ચડી ગયાં હતાં, અધુરામાં પુરુ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત અને રાદડિયાની નિક્રિયતાએ પણ તેમને મંત્રીપદથી વંચિત કરી દીધા હોવાની ચર્ચા છે.

રાદડિયાનું પત્તુ કાપીને ભાજપે તમામ નેતાઓને એવો સંદેશ આપી દીધો છે કે, ભલે તમે ગમે તેટલા કદાવાર નેતા કેમ ન હોય, પરંતુ પક્ષની લાઈનદોરીથી બહાર જશો તો ફેંકાઈ જશો. અલબત્ત, મંત્રીપદ ન મળવા મુદ્દે જયેશ રાદડિયાએ એવી પ્રતિક્રિયા આપી છે કે, હું નારાજ નથી, કારણ કે, હું 30 વર્ષનો હતો ત્યારથી મંત્રી બન્યો છું. દસ વર્ષ મંત્રીપદ ભોગવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક