• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

રાજકોટમાં વેપારી સાથે રૂા.4.62 કરોડની ઠગાઈ

560 કરોડના કૌભાંડમાં જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશે તેના કૌટુંબિક ભાઈની પેઢીના જીએસટીના ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા : તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા.16: જીલ્લા જીએસટીની ટીમે જામનગરની જુદી જુદી વેપારી પેઢી અને એકમોમાં સર્ચ ઓપરેશન કરી જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કેન્દ્રમાં આચરવામાં આવેલી 560 કરોડના બોગસ બીલીંગ અને 100 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે રાજકોટમાં પણ એક જાણીતા વેપારી સાથે રૂા.4.62 કરોડની છેતરપિંડી આચરતા તાલુકા પોલીસમાં ફરિયાદ થઈ છે.  મળતી વિગત મુજબ મોટામવા 80 ફુટ રોડ પર જીવરાજ પાર્કમાં નંદન રેસીડેન્સીમાં રહેતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ કમાણી (ઉ.35)એ તાલુકા પોલીસમાં જામનગરના અલ્કેશ હરીલાલ પેઢડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રકાશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હાલ અલ્પાઈન થાઈડ્રીમ્સ પ્રા.લી.નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ધરાવે છે. 2016-17માં 150 ફુટ રીંગ રોડ બીગ બઝાર પાસે ચંદ્રપાર્ક 2 માં સિધ્ધિ વિનાયક હોલીડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ચાલુ કરી હતી અને આ પેઢી 2019મા બંધ કરી દીધી હતી. આ દરમ્યાન આ પેઢીનાં એકાઉન્ટન્ટ તરીકે તેમનાં કૂઇનાં દીકરા અલ્પેશ હરીલાલ પેઢડીયા (રહે. જામનગર) હતા. ત્યાર બાદ પેઢી બંધ થઇ જતા પેઢીનું જીએસટી નંબર રદ કરવાની તેમને કહ્યુ હતુ. ત્યારબાદ 2019 માં અલ્કેશે ફરિયાદી પ્રકાશભાઇને વાત કરી હતી કે મોટાપાયે ધંધો કરવો હોય તો આપણે પ્રાઇવેટ કંપની બનાવીએ જેથી તેનાં કહેવા પ્રમાણે 2019 મા ઇમ્પીરીયલ હાઇટસમા આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા. લી. નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની શરુ કરી હતી જે હાલ નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે કાર્યરત છે. આ કંપનીમા પ્રકાશભાઇ અને અલ્કેશભાઈનાં પત્ની શ્રૃતીબેન તેમજ પ્રકાશભાઇનાં જાણીતા મોનાબેન એમ ત્રણેય જણા ડીરેકટર છે અને આ પેઢીનો સંપુર્ણ વહીવટ પ્રકાશભાઈ સંભાળે છે તેમજ જીએસટી રીર્ટન્સનું કામ અને ઓડીટનું કામ મુકેશભાઈ સંભાળતા હતા.

થોડા દિવસ બાદ તા. 30-9નાં રોજ ફરિયાદી પ્રકાશભાઇનો રાજકોટની જીએસટી કચેરી ખાતેથી એક સમન્સ વોરંટ મળ્યું હતું જેથી તેઓ જીએસટી કચેરીએ જવાબ લખાવવા ગયા હતા. ત્યારે તેઓને જાણ થઇ હતી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશે સિધ્ધી વિનાયક હોલીડઝ પેઢીનાં નામે 11.72 કરોડની ખરીદી દર્શાવી છે અને તેનું વેચાણ રૂ. 12.59 કરોડ દર્શાવ્યું છે અને ખોટી વેરા શાખ અન્ય વેપારીને તબદીલ કરેલી છે જે બદલ પ્રકાશભાઇને જીએસટીનાં નીયમ મુજબ 2.25 કરોડ જીએસટી ભરવાનુ થાય છે તેવી જ રીતે આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા. લી. કંપનીનાં નામે પણ રૂ. 13.38 કરોડની ખરીદી દર્શાવી છે અને તેનું અત્યાર સુધીનું વેચાણ 13.14 કરોડ દર્શાવ્યું છે અને આ ખોટા વહીવટ બદલ પ્રકાશભાઇને જીએસટીનાં નિયમ મુજબ 2.36 કરોડ જીએસટી ભરવાનું થાય છે. આમ પ્રકાશભાઈની જાણ બહાર બંને કંપનીનાં ખોટા બીલની ડેટા એન્ટ્રી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પ્રકાશભાઈની જાણ બહાર વેપારીઓને વેરા શાખ તબદીલ કરતા 4.62 કરોડની જીએસટી પેલ્ટી ઉભી કરી હતી. આ અંગે પ્રકાશભાઇ કમાણીએ તાલુકા પોલીસ મથકમા આરોપી અલ્કેશ વિરુધ્ધ વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક