• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભરૂચની સાયખા GIDCમાં વિશાલ્યકરણી ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, 3નાં મૃત્યુ

24 ઇજાગ્રસ્ત, મૃત્યુઆંક વધવાની શક્યતા  બોઇલર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો; આજુબાજુની કંપનીઓને પણ નુકસાન

વડોદરા તા.12: ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ્યકરણી ફાર્મા કંપનીમાં મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના બોઈલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 શ્રમિકના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે આસપાસની કંપનીઓના કામદારો સહિત 24 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી 4 થી 5 અન્ય કંપનીઓ પર પણ પડી હતી અને તેમના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું.

આગની વિકરાળ ઘટનામાં આસપાસની કંપનીઓના કામદારો અને સિક્યુરિટી સ્ટાફ મળી કુલ 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા કાલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનામાં હજી પણ કેટલાક લોકો કંપનીમાં ફસાયા હોવાની આશંકાને પગલે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ગંભીર ઘટનાની જાણ થતાં મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતક શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો તેમના પરિજનોને સોંપવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક