957
કરોડની આવક ધરાવતા રાજકીય પક્ષ
સંજય
ગજેરાના નિવાસસ્થાને પાંચ ગાડીઓ સાથેના આઈટી ઓફિસર્સે શરૂ કરી કાર્યવાહી
અમદાવાદ,
તા. 12: ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા
પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દેશના આવા
ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ
જનતા દળ રૂ. 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના
ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બુધવાર, તા. 12 નવેમ્બરના વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે
દરોડા પાડ્યા હતા. જે પક્ષોને ચૂંટણીમાં ખૂબ ઓછા મત મળે છે, તેમને ’રજિસ્ટર્ડ અમાન્ય’
પક્ષો કહેવાય છે. આ પક્ષો ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ હોય છે, પરંતુ ઓછા મતોને કારણે માન્યતા
પ્રાપ્ત ગણાતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં
ગુજરાતના આવા પાંચ પક્ષોને કુલ 17 ઉમેદવાર ઊભા રાખવા છતાં માત્ર 22 હજાર મત મળ્યા હતા.
એડીઆરના રિપોર્ટ મુજબ, 2019-20 થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક રૂ. 2316 કરોડ
છે, જ્યારે એક વર્ષની સરેરાશ આવક રૂ. 1158 કરોડ છે.
સૌથી
વધુ કમાણી કરનાર ‘ભારતીય નેશનલ જનતા દળ’ના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગરના
નિવાસ સ્થાને બુધવારે વહેલી સવારે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે
દરોડો પાડ્યો હતો. આ સિવાય, આઇટી ટીમે તેમની સેકટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે
આવેલી ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો હતો. હાલમાં સંજય ગજેરાના
ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની સઘન ચકાસણી
હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી
દરમિયાન મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર, બિનહિસાબી નાણું અને આર્થિક બાબતો સાથે સંકળાયેલી
અન્ય સ્ફોટક વિગતો બહાર આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.