નલિયા કરતા પોરબંદરમાં વધુ ઠંડી : ગિરનાર 4.9, પોરબંદર 9, રાજકોટ 9.2, અમરેલી 9.4, જૂનાગઢ 9.9 ડિગ્રી તાપમાન
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી
હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર : ભરબપોરે લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી
રાજકોટ તા.25: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં
બે દિવસથી ધ્રુજાવી દે તેવી ઠંડી વર્તાઇ રહી છે. લઘુત્તમ તાપમાન નીચું જવાથી અને સુસવાટા
મારતા ઠંડા પવનો ફુંકાવાથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેના
કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. આજે નલિયા કરતા
પૌરબંદરમાં વધુ ઠંડી નોંધાઇ હતી. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી
ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું
જોર યથાવત્ રહ્યું છે.
હાડ ધ્રુજાવતી ઠંડીમાં આખા ગુજરાતનું
જનજીવન પ્રભાવિત થયું હતું. સાંજ ઢળતા જ વાતાવરણમાં વધી ગયેલી ઠંડકના કારણે બજારોમાં
રીતસર સન્નાટો છવાઈ ગયો હતો. સાંજ ઢળતા લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા હતા. અમદાવાદ,
સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોના મોડી રાત સુધી ધમધમતા માર્ગો રાત્રે 10-11 વાગતા
જ સૂમસામ બની ગયા હતા. સૂસવાટા મારતા ઠંડા પવનોથી લોકોની રોજીંદી જીવન શૈલી ખોરવાઈ
ગઈ હતી. ભરબપોરે લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,
અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ
પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી રાજ્યના
અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ
થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
જૂનાગઢ: સોરઠમાં ગઈકાલથી જ કાતિલ
ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે કાતિલ ઠંડીથી જનજીવન થરથરી રહ્યું છે અને ગરમ વસ્ત્રોમાં
ઢંકાઈ ગયા છે. જૂનાગઢનું તાપમાન 9.9 ડિગ્રી જ્યારે ગિરનારમાં તાપમાનનો પારો 4.9 ડિગ્રીએ
પહોંચતા ગિરનાર સીડી સુમસામ બની ગઈ છે.