• મંગળવાર, 27 જાન્યુઆરી, 2026

વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકમાં વીજ વાયરની ચોરી કરતા 4 ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ચાર આરોપીને પકડી રૂા.7.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વિરમગામ, તા.25: વિરમગામ, માંડલ તથા દેત્રોજ તાલુકા વિસ્તારમાં વીજ કંપનીની વીજ લાઈનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીની વધતી ઘટનાઓને પગલે વિરમગામ વિભાગની ટીમ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપી હજુ ફરાર છે.

ચુંવાળ પંથકના ગામોમાં વીજલાઈનના એલ્યુમિનિયમના વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો સમયસર મળી શકતો ન હતો.

જેથી આ ગુનાઓને અંજામ આપનારા આંતરરાષ્ટ્રીય ગેંગના ચાર આરોપીઓને ટેક્નીકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સીસના આધારે વિરમગામ તાલુકાના મેલજ ગામ પાસે સૌરાષ્ટ્ર શાખા નહેરથી કલ્યાણપુરા જવાના રોડ ઉપર આવેલી કેનાલ પાસે પાળ ઉપર યુજીવીસીએલની વીજલાઈનના ચોરી કરેલા એલ્યુમિનિયમના વીજવાયરો બે બોલેરો પીકઅપ ગાડીમાં એક ગાડીમાંથી બીજી ગાડીમાં અદલાબદલી કરતા હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી કુલ 10 વીજ લાઈનના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ રાત્રીના સમયે વીજ લાઈન ઉપર લાગેલા ટીસીના જમ્પર પાડી વીજ પુરવઠો બંધ કરી યુજીવીસીએલના વીજ થાંભલા પર ચઢી વાયર કાપીને તેને બોલેરો ગાડીમાં ભરી અન્ય જિલ્લામાં લઈ જઈ વેચાણ કરતા હતા. ચોરી માટે આરોપીઓ પાસે એલ્યુમિનિયમ વાયર કાપવાના સાધનો, વાહનો અને અન્ય સામગ્રી રાખવામાં આવતી હતી. પોલીસે રાજસ્થાનના ભવસિંહ ઉર્ફે સુરેશસિંહ રાજપૂત, ભરતલાલ ગોપાલલાલ જાટ, કાલુવાલા ઉર્ફે મકુ બડુજાટ સેરસિંહ ઉર્ફે સરખમલ કાળુજાટને ઝડપી લઈ પોલીસે આરોપીઓ પાસેથી 1000 કિ.ગ્રા.એલ્યુમિનિયમનો વાયર, બે પીકઅપ વાહન, મોબાઈલ, વાયર કાપવાના સાધનો સહીત કુલ રૂા.7,65,920નો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 20થી વધુ ગુના નોંધાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક