• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

મોરબીમાં વાહનની ઓવરટેક કરવા બાબતે સોની યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા નજીવી બાબતે સોની યુવાનની હત્યા મામલે આજે સોની બજાર સજ્જડ બંધ

મોરબી,તા.20: મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર અસામાજિક તત્વોને ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા રંગોલી આઇક્રીમ પાસેથી સોની યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કૂટરમાં આવેલા બે શખ્સોએ સાઇડ કાપવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બે પૈકીના એક શખ્સે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા જેથી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મૃત્યુ થયું હતું જેથી હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અને મોરબી નજીવી વાતમાં મોરબીમાં સોની વેપારીની હત્યા કરવામાં આવેલી હોય આજે સોની બજાર બંધ રાખવામાં આવેલી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં આવેલી ભક્તિનગર- 2 સોસાયટીમાં રહેતા મૌલિક રસિકલાલ આડેસરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નંદો તથા ભુરીયા નામનો શખ્સ આ બંનેની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો નાનો ભાઈ જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) કામ સબબ તેઓની કાર લઈને રાજકોટ ગયો હતો અને ત્યાંથી તે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પરત મોરબી આવ્યો હતો ત્યારે તેની સાથે કારમાં ફરિયાદીના બહેન ચેતનાબેન તથા જતીનભાઈના માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ બેઠેલા હતા.દરમિયાન સનાળા રોડ પર આવેલી રંગોલી આઇક્રીમ પાસેથી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે એક્સેસ ઉપર આવેલા બે શખ્સો દ્વારા વાહનનો ઓવરટેક કરવા બાબતે જતીનભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરી હતી અને ત્યારે નંદો નામના શખ્સે તેની પાસે રહેલી છરી વડે ફરિયાદીના ભાઈ જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ સ્કૂટર ઉપર આવેલા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા જતીનભાઈએ ફરિયાદીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી જેથી ફરિયાદી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ જતીનભાઈને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક