• બુધવાર, 18 માર્ચ, 2026

આજથી આકાશમાંથી આફત વરસશે : ત્રણ દિવસ માવઠાની શક્યતા

આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદ : 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, ખેડૂતો ચિંતામાં

રાજકોટ તા.17: છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે હવે હવામાનમાં પલટો આવતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે સવારના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને મહત્તમ તાપમાન ગગડતાં દિવસ દરમિયાન અનુભવાતી ગરમીથી થોડી રાહત મળી છે. જોકે આ બધાની વચ્ચે ખેડૂતોને ચિંતામાં મુકાઇ ગયા છે, કારણ કે હવામાન વિભાગે 18થી 20 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

માર્ચ મહિનામાં જ કમોસમી વરસાદની આગાહીને પગલે 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે. જે બાદ કાલથી 3 દિવસ એટલે કે, 18, 19 અને 20 માર્ચના કમોસમી વરસાદ થશે. 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. 

અમરેલી : જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં વાદળછાયું વાતાવરણ તથા સંભવિત વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યના ખેડૂત મિત્રોને પાક સંરક્ષણ માટે આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંભવ હોય ત્યાં સુધી આ દિવસોમાં એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે પેદાશ લાવવાનું ટાળવા અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવાની સૂચના આપવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક