વહીવટદાર નવી પંચાયત રચાય અને ચૂંટાયેલા સભ્યો દ્વારા કાર્યભાર સંભાળવામાં આવે ત્યાં સુધી વહીવટી કામગીરી સંભાળશે
ગાંધીનગર તા.16 : ગુજરાત સરકારના
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયત
અને 229 તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
આ અંગેનો સત્તાવાર આદેશ તા. 16 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, ગુજરાત પંચાયત
અધિનિયમ-1993ની જોગવાઈઓ મુજબ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી સંબંધિત
પંચાયતોની પુન: રચના અને નવી ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં 16 થી 19 માર્ચ
2026 દરમિયાન અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની
મુદત પૂર્ણ થવાની હોવાથી નવી ચૂંટણીઓ યોજાઈ અને નવી પંચાયતોની પ્રથમ બેઠક મળે ત્યાં
સુધી વહીવટી કામગીરી સતત ચાલુ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અધિનિયમની
કલમ-278 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને સંબંધિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિયુક્ત
કરવાની મંજૂરી આપવામાં આવી છે. વહીવટદાર નવી પંચાયત રચાય અને ચૂંટાયેલા સભ્યો દ્વારા
કાર્યભાર સંભાળવામાં આવે ત્યાં સુધી પંચાયતની દૈનિક વહીવટી કામગીરી સંભાળશે. રાજ્યની
કુલ 31 જિલ્લા પંચાયતો અને 229 તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક અંગે મહત્વપૂર્ણ
આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવાને કારણે નવી ચૂંટણી
અને પ્રથમ બેઠક સુધી વહીવટી કામગીરી ચાલુ રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ આદેશ મુજબ અમદાવાદ, અમરેલી,
આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,
ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ,
પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લા
પંચાયતોમાં કલેક્ટરશ્રીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યની 229 તાલુકા
પંચાયતોમાં પણ વહીવટદાર તરીકે વિવિધ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં ં પ્રાંત
અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓને વહીવટદાર
તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટણીઓ પૂર્ણ થઈ પ્રથમ બેઠક મળ્યા સુધી આ વહીવટદાર
દ્વારા જરૂરી વહીવટી કામગીરી હાથ ધરાશે, જોકે નીતિગત નિર્ણય લેવાની સત્તા તેમને રહેશે
નહીં.