• બુધવાર, 18 માર્ચ, 2026

ગુજરાત હાઈ કોર્ટે 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી કોર્ટે સિનિયર ડોક્ટરોની એક વિશેષ પેનલની રચના કરવા સૂચના આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.17: ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતા સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક અસરોને ધ્યાનમાં રાખીને અદાલતે આ માનવીય અભિગમ અપનાવ્યો છે.

સગીરાના ગર્ભાપાત માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ સગીરા આ ગર્ભ રાખવા માગતી નથી. જેથી ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગરની હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો હકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ 17 માર્ચે ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. આ સાથે જ સિનિયર ડોક્ટરની એક પેનલની રચના કરવાનું પણ કહ્યું છે.  સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે ડિસેમ્બર 2025માં ગાંધીનગરના ડભોડા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સગીરા પર થયેલા આ અત્યાચાર બાદ તેનું ભવિષ્ય ન બગડે અને તેને સામાજિક કલંકનો સામનો ન કરવો પડે તે હેતુથી હાઈકોર્ટે આ મહત્ત્વનો હુકમ કર્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 24 દુષ્કર્મ પીડિતાઓને હાઈકોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક