• મંગળવાર, 17 માર્ચ, 2026

અંબાજી મંદિરના ભંડારમાં મહેફિલ મુદ્દે તપાસ પૂર્ણ, અહેવાલ કલેક્ટરને સુપ્રત

એક-બે દિવસમાં દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધાશે

જૂનાગઢ, તા.16 : ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારમાં રાત્રે મહેફિલ પાર્ટી મુદ્દે પ્રાંત અધિકારીએ બે દિવસ ઊંડાણપૂર્વક તપાસ પૂર્ણ કરી જિલ્લા કલેક્ટરને ધગધગતો અહેવાલ સુપ્રત કર્યો છે. આ અહેવાલના આધારે આજકાલમાં દોષિતો સામે કાનૂની કાર્યવાહી તોળાઈ રહી છે. 

અંબાજી મંદિરના ભંડારમાં બેસતા વર્ષની રાતે માસ-મંદિરાની પાર્ટીનો વિડીયો વાયરલ થતા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારીને તપાસના આદેશ કર્યા હતા. આ આદેશ મુજબ પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલે ગઈકાલથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળ તેમજ મંદિર માંથી પુરાવાઓ એકત્ર કરી મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓ, રસોયા સહિત 26 લોકોને નિવેદન માટે બોલાવ્યા હતા. તેમાં ગઈકાલે 22 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા જ્યારે બાકીના ચાર લોકોને આજે સવારે પ્રાંત કચેરી ખાતે બોલાવી નિવેદન નોંધ્યા હતા. આ મહેફિલનો વીડિયો ઉતારનાર છગન ડાભીની પોલીસે અલગ રૂમમાં લઈ જઈ સઘન પૂછપરછ કરી હતી. તેમજ વીડિયોમાં દેખાતા સગીરે પ્રાંત અધિકારી સમક્ષ વટાણા વેરી દીધા હતા અને સાતથી વધુ લોકોના નામો આપ્યા હતા. આ તમામ નિવેદનો અને પુરાવાનો ધગધગતો અહેવાલ પ્રાંત અધિકારીએ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યો છે. 

આ અહેવાલના અભ્યાસ બાદ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા આગામી એક-બે દિવસમાં જ દોષિતો સામે કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. આ મહેફિલમાં છથી વધુ પૂજારીઓ હોવાની વાત બહાર આવી રહી છે પરંતુ તપાસ અહેવાલ ગુપ્ત હોય તેથી નકર વિગતો મળી શકી નથી. પ્રાંત અધિકારીએ આ બનાવની તપાસ પૂર્ણ થયાનું જણાવી ગુપ્ત અહેવાલ કલેક્ટરને સુપ્રત કર્યાનું જણાવ્યું હતું હવે જિલ્લા કલેક્ટરના નિર્ણય ઉપર સઘળો આધાર રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક