મંત્રીઓ, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને માછીમારી સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆત અન્વયે કેન્દ્ર સરકારનો ત્વરિત નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.21 : ભારત પેટ્રોલિયમ
દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ.22.43નો વધારો કરવાની જાહેરાત કરવામાં
આવી હતી. આ મુદ્દે મંત્રીઓ, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ
દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાને લેતા રાજ્ય
સરકાર કેન્દ્રને વિનંતી કરાતા કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં
વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ.22.43નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી
રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.
ગુજરાત સરકારના મત્સ્ય સંઘ-જીએફસીસીએ
દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)
સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. મંત્રીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે,
જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે
મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ ‘સ્પેશિયલ એક્સેપ્શન’ ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને
‘કન્ઝ્યુમર સેગમેન્ટ’ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા જોઇએ. આ સફળ રજૂઆત અને ત્વરિત
નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપાસિંહ પૂરીનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે
કે, ‘રાજ્ય સરકાર હંમેશાં માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે.