પુત્રવધૂ અને પ્રેમી સહિત ત્રણે પાઈપ-ધોકા વડે હુમલો કરતા ગંભીર ઇજાથી મૃત્યુ : પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડયા
વઢવાણ
તા.27: સુરેન્દ્રનગરના ફૂલગ્રામમાં પારિવારિક સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી
છે. આડા સંબંધ રાખવા બાબતે સસરાએ આપેલો ઠપકો પુત્રવધૂને પસંદ ન આવતા, તેણે પોતાના પ્રેમી
અને અન્ય એક શખ્સ સાથે મળીને સસરા રમેશભાઈ ગાબુની કરપીણ હત્યા કરી નાખી છે.
મળતી
માહિતી મુજબ, મૃતક રમેશભાઈના નાના દીકરા અશોકભાઈની પત્ની ચકુબેન ગાબુને ગામના સોહીલ
રમેશભાઈ જીડીયા સાથે આડા સંબંધો હતા. રમેશભાઈ અને તેમના મોટા દીકરા મહેશભાઈ આ સંબંધોનો
સખત વિરોધ કરતા હતા અને ચકુબેન તથા સોહીલને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં,
રમેશભાઈ ગાબુએ સોહીલ જીડીયા અને પુત્રવધૂ ચકુબેનને તેમના સંબંધો અંગે ઠપકો આપ્યો હતો.
આ બાબતને લઈને સોહીલ જીડીયા અને ચકુબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન,
સોહીલ જીડીયા, સોહીલના દાદાનો દીકરો સુરેશભાઈ લખમણભાઈ જીડીયા અને પુત્રવધૂ ચકુબેન ગાબુએ રમેશભાઈ ગાબુ
પર હુમલો કર્યો હતો. આરોપી સોહીલ જીડીયાએ લોખંડના પાઇપ વડે રમેશભાઈના માથામાં માર માર્યો
હતો, જ્યારે સુરેશ જીડીયા અને ચકુબેને લાકડાના ધોકા વડે તેમના માથા અને શરીરના અન્ય
ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલાના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું
હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી (1) સોહિલ રમેશભાઈ જીડીયા (2) સુરેશભાઈ
લખમણભાઈ જીડીયા (3) ચકુબેન અશોકભાઈ ગાબુની અટકાયત કરી છે. હત્યામાં વપરાયેલા હથિયારો
પણ જપ્ત કરવામાં આવ્યા છે.