• શનિવાર, 28 માર્ચ, 2026

પાણી પહેલા પાળ: પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ઘટાડાઇ

પેટ્રોલ અને ડીઝલમાં 10-10 રૂપિયા એક્સાઈઝ ઘટાડવામાં આવી : પેટ્રોલ ઉપર એક્સાઈઝ ઘટીને 3 રૂપિયા અને ડીઝલ ઉપર શૂન્ય થઈ

નવી દિલ્હી, તા.27: અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણનાં બદલામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઈંધણ અને માલપરિવહન અટકાવીને ઈરાને દુનિયામાં ઓઈલ અને ગેસની કટોકટી સર્જી નાખી છે. જેને પગલે ક્રૂડ ઓઈલનાં ભાવ સળગી ગયા છે. ક્રૂડ ઓઈલ મોંઘ થવાનો સીધો મતલબ એ થાય કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દબાણમાં આવી ગઈ છે. જો કે, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનું ભારણ સામાન્ય જનતા ઉપર ન આવે તે માટે મોટું રાહતકારી પગલું ભરતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગતી વધારાની એક્સાઈઝ ડયૂટી 10 રૂપિયા ઘટાડી નાખી છે. જેને પગલે હાલનાં તબક્કે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાનું જોખમ ટળી ગયું છે.

સામાન્ય સંજોગોમાં એક્સાઈઝ ઘટાડવામાં આવે તો પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ ઘટાડો આવતો હોય છે પણ વર્તમાન કટોકટીનાં સંજોગોમાં ભાવમાં વધારો ન થવો એ પણ રાહતથી કમ નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ નિર્ણયનો તર્ક સમજાવતા કહ્યું હતું કે, સરકાર પાસે  કેવળ બે વિકલ્પ હતાં. એક તો ઈંધણનાં ભાવમાં વધારો થવા દેવો કે પછી નાગરિકોને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાનાં મારથી બચાવવા માટે નાણાકીય બોજ સરકારે વેંઠવો. પુરીએ એક્સ ઉપર એક ટ્વિટમાં લખ્યું હતું કે, છેલ્લા એક માસમાં ક્રૂડ ઓઈલનાં આંતરરાષ્ટ્રીય ભાવ 70 ડોલર પ્રતિબેરલથી વધીને 122 ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયા હતાં. જેનાં હિસાબે દુનિયાભરમાં ઈંધણનાં ભાવમાં 20થી પ0 ટકા સુધીનાં વધારા થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવીને નાગરિકોનાં હિતોની રક્ષા માટે જાતે જ નાણાકીય નુકસાન ઉઠાવવાનો સાહસિક નિર્ણય કર્યો છે.

મંત્રીએ આગળ કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલનાં ઉંચા ભાવોનાં કારણે ઓઈલ કંપનીઓને પેટ્રોલ ઉપર 24 રૂપિયા અને ડીઝલ ઉપર 30 રૂપિયાની ખોટ આવી રહી હતી. હવે ટેક્સમાં આ ઘટાડાથી કંપનીઓને પોતાની ખોટ ઓછી કરવામાં મદદ મળી શકશે.

નાણા મંત્રાલય તરફથી જારી આદેશ અનુસાર પેટ્રોલ ઉપર આબકારી વેરો 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ ઉપર 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવ્યો છે. જો કે સરકારનાં આ નિર્ણય ઉપર પણ રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતાં. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, માત્ર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને એક્સાઈઝમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. આ રાહત વાસ્તવિક નથી બલ્કે આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને નજરમાં રાખીને જનતાને ગુમરાહ કરવાની કોશિશ છે. છેલ્લા 12 વર્ષોમાં જ્યારે ઓઈલની કિંમત ગગડતી હતી ત્યારે સરકારે જનતાને કોઈ લાભ આપ્યો નહોતો.

ટીમ ઈન્ડિયાની જેમ સંકટનો સામનો કરવાં રાજ્યોને મોદીની હાકલ

રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની વર્ચ્યુઅલ બેઠક

ચૂંટણીનાં કારણે પશ્ચિમ બંગાળ, કેરળ, પુડ્ડુચેરી અને તામિલનાડુનાં મુખ્યમંત્રીઓ સામેલ ન થયા

નવી દિલ્હી, તા.27: પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કારણે દુનિયામાં ઊર્જાનું સંકટ પેદા થઈ ગયું છે અને ભારત પણ તેની વિપરિત અસરોથી અલિપ્ત રહી શકવાનું નથી. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં કોઈપણ સ્થિતિની પહોંચી વળવા અને દુનિયામાં ગમે તેવી ઉથલપાથલ મચી જાય તો પણ ભારતમાં ઓઈલ, ગેસ અને આવશ્યક સામાનનો પુરવઠો ખોરવાય નહીં તેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ સંસદમાં કહેલું કે, આ કપરા કાળમાં સમગ્ર દેશે ટીમ ઈન્ડિયાની ભાવનાથી સમન્વય સાથે પ્રયાસો કરવા જરૂરી છે અને આજની બેઠકમાં પણ સંકલિત અને સંગઠિત પ્રયાસો ઉપર જોર આપવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ એવું પણ કહેલું કે, મધ્યપૂર્વનું આ સંકટ ભારત માટે પણ મોટી મુસીબત સર્જી શકે છે. તેમની કેન્દ્ર સરકાર શક્ય તમામ પગલા ભરી રહી છે પણ કોઈપણ યોજનાને કામિયાબ બનાવવાની જવાબદારી રાજ્યોનાં શિરે હોય છે. આથી તેમણે મુખ્યમંત્રીઓને આજની બેઠકમાં અપીલ કરી હતી કે પોતપોતાનાં રાજ્યોમાં એવી વ્યવસ્થા કરવી જેથી આવશ્યક ચીજોનાં પુરવઠાને ઉની આંચ ન આવે. તેમણે એવું પણ યાદ અપાવ્યું હતું કે, દેશ જ્યારે સંકટમાં હોય ત્યારે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને પરિવારની જેમ લડવું પડશે. મોદીએ વર્તમાન સંજોગોની તુલના 6 વર્ષ પહેલા આવેલી કોવિડ મહામારી સાથે કરી હતી અને કહ્યું હતું કે, જેવી રીતે ત્યારે આખા દેશે ટીમ ઈન્ડિયા બનીને કામ કરેલું તેવાં જ જુસ્સાની હવે ફરી આવશ્યકતા છે.

આજની આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, કેરળ, પુડ્ડુચેરી અને તામિલનાડુનાં મુખ્યમંત્રીઓ સામેલ થઈ શક્યા નહોતા. આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ છે અને તેનાં હિસાબે તેઓ આજની આ મિટિંગમાં ભાગ લઈ શક્યા નહોતાં. બાકીનાં રાજ્યો સાથે ઈંધણનાં પુરવઠા, વધતી મોંઘવારી અને અન્ય વ્યવસ્થાઓને દુરસ્ત કરવા માટે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ જોડાયા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીઓમાં યુપીનાં યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશનાં મોહન યાદવ, ઉત્તરાખંડનાં પુષ્કારસિંહ ધામી, છત્તીસગઢનાં વિષ્ણુ દેવ, આંધ્રનાં ચંદ્રાબાબુ નાયડુ, પંજાબનાં ભગવંત માન, જમ્મુ-કાશ્મીરનાં ઉમર અબ્દુલ્લા, ઝારખંડનાં હેમંત સોરેન, મહારાષ્ટ્રનાં દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોડાઈને પોતપોતાનાં રાજ્યોની તૈયારીઓનો ચિતાર વડાપ્રધાન મોદીને આપ્યો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક