અમદાવાદ/ગાંધીનગર તા.27 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.
ગુજરાત
સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા
મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં
જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી
લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ મહત્વપૂર્ણ
નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ
વારસો (મરણ જનારા મુળ ખાતેદારના સીધી લીટીના
કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની
તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હકક ઉઠાવવા/કમીના
લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.
જો
સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ
કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા
વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.300/-
સ્ટેમ્પ ડયુટી વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયના
પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો
થશે.