મબલક ઉત્પાદન છતાં કાચા માલમાં સટ્ટાખોરી, હવે સરકારી એજન્સીઓની નફાખોરી ! પામતેલ સહિતના તેલ પણ મોંઘા
રાજકોટ,
તા.27 (ફૂલછાબ ન્યૂઝ) મગફળીના રેકોર્ડબ્રેક ઉત્પાદન પછી પણ સીંગતેલના ડબાનો ભાવ 3 હજારની
સપાટીને વટાવી ગયો છે. પાછલા દોઢ વર્ષમાં પ્રથમ વખત આ સપાટી જોવા મળી છે. સીંગતેલના
ભાવવધારા પાછળ મગફળીની નબળી મળતર અને સરકારી એજન્સીઓની નફાખોરી વધારે કારણભૂત છે. જોકે
મધ્યપૂર્વ યુધ્ધને લીધે ક્રૂડ તેલ ખાસ્સું મોંઘું થયું છે. ક્રૂડ તેલથી પામ તેલ અને
એનાથી અન્ય બધા તેલ મોંઘા થઇ ગયા છે. માર્ચ મહિનો ખાદ્યતેલ માટે એ રીતે તેજીવાળો રહ્યો
છે, જે સામાન્ય લોકોને દઝાડી રહ્યો છે.
સીંગતેલના
ભાવમાં માર્ચ મહિના દરમિયાન 4 ટકાનો સૌથી ઓછો વધારો થયો છે. જોકે કપાસિયામાં 7 ટકા,
પામતેલમાં 8 ટકા અને સૂર્યમુખી તેલમાં 9 ટકાની તેજી આવી ચૂકી છે.
ક્રૂડ
તેલના ભાવમાં 30 ટકા કરતા વધારે તેજી થઇ એની અસરથી પામતેલનો ભાવ 11 ટકા ઉંચકાયો છે.
પામતેલનો ભાવ ક્રૂડની અસરથી એટલે ઉંચકાતો હોય છે કારણકે તેનો ઉપયોગ બાયોડિઝલમાં થતો
હોય છે. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવ ઉંચકાયા એટલે બાયોડિઝલ માટે પામતેલની માગ વધવાની
છે એમ માનીને મલેશિયા કે જ્યાં પામતેલના વાયદા મોટાંપાયે ચાલે છે ત્યાં માર્ચમાં
11 ટકાની તેજી આવી ચૂકી છે. આમ ભારતમાં ખાદ્યતેલના ભાવ વધ્યા તેમાં આગેવાની પામતેલની
છે.
ભારતમાં
પામતેલ, સૂર્યમુખી અને સોયાતેલ ખૂબ આયાત થતા હોય છે. પરિણામે તમામ તેલ પર તેની અસર
થાય છે. સ્થાનિક બજારમાં જોકે સટ્ટાકિય પ્રવૃત્તિ વધારે છે એટલે ભાવ ઉંચકાયા છે. કપાસિયા
તેલનો ભાવ શુક્રવારે એક જ દિવસમાં રૂ. 30 વધી ગયો છે. જોકે મહિનામાં રૂ.180 વધીને રૂ.
2480-2510 થઇ ગયો છે.
પામતેલમાં
રૂ. 40નો એક જ દિવસમાં ઉછાળો આવતા રૂ.2270-2275 થઇ ગયા છે. માર્ચમાં રૂ. 185 જેટલો
ડબો મોંઘો થયો છે. સૂર્યમુખી તેલમાં માર્ચમાં રૂ. 220 વધી જતા રૂ. 2520-2540નો ભાવ
ચાલે છે. બીજી તરફ સીંગતેલનો ડબો રૂ.2955-3005 થયો છે. શુક્રવારે રૂ. 10ની તેજી આવી
હતી. મગફળીનો બહ્ન જ જૂજ જથ્થો ખેડૂતોના હાથમાં છે. જોકે માર્કેટ યાર્ડ માર્ચ અંતને
લીધે બંધ છે એટલે સરકારી મગફળી સિવાય ઉદ્ધાર નથી. જોકે સરકારી મગફળી રૂ. 1400 પ્રતિ
મણ નીચેના ભાવમાં વેચાતી નથી અને જથ્થો પણ ધીરે ધીરે આવી રહ્યો હોવાથી સીંગતેલ સળગ્યું
છે.