• બુધવાર, 01 એપ્રિલ, 2026

સ્ટીલના ભાવ વધ્યા પણ રૂપિયો તૂટી જતા અલંગમાં નિરુત્સાહ

            અલંગમાં હોંગકોંગ કન્વેન્શન માન્ય અનેક યાર્ડ પણ હજુ યુરોપીયન સ્ટાન્ડર્ડની યાદીમાં એકપણ નહી !

રાજકોટ,તા.31: (ફૂલછાબ ન્યૂઝ) બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જહાજવાડાઓમાં ઇદની રજા પછી એક સપ્તાહથી જહાજો ભાંગવાનું કામકાજ પૂર્વવત થઇ ગયું છે. બીજી તરફ ભારતમાં અલંગ ખાતે પણ કામકાજ પાટે ચડી ગયું છે. અલબત્ત મધ્યપૂર્વ યુધ્ધને લીધે આવેલી મંદી અને સ્ટીલના ભાવમાં થતી ભારે વધઘટને લીધે જહાજો ભાંગવા માટે મુશ્કેલી પડી રહી છે. છતાં અત્યારે તોડવાના જહાજોનો ધીમો ધીમો પુરવઠો બધે જ મળી રહ્યો છે.

મુંબઈ સ્થિત એક કેશ બાયરે શાંધાઇના એક જહાજ માલિકે દક્ષિણ એશિયામાં કુલ ત્રણ બલ્ક જહાજો મોકલ્યા છે. એમાંથી બે અલંગમાં આવે તેમ છે. એ પૈકી એક અગાઉ વેચાઇ ગયું હતુ અને એનું નામ બદલાવીને ફરીથી મૂકવામાં આવ્યું છે.

ઇદની રજા પછી કામકાજ ખૂબ વધી જશે એવી અપેક્ષા હતી પણ ખાસ વધારો થયો નથી. પાકિસ્તાન અને ભારતમાં સ્ટીલ પ્લેટના ભાવમાં વિપરીત ભૂમિકા ભજવે છે. ભારતમાં પ્રભાવશાળી વધારો સ્ટીલના ભાવમાં થયો છે એટલે થોડો ઉત્સાહ છે પણ પાકિસ્તાનમાં સ્ટીલના ભાવ ઘટયા છે. જોકે ભારતીય રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઐતિહાસિક તળિયે પહોંચી ચૂક્યું છે એટલે બહુ રાહત પણ મળતી નથી.

બજારોમાં ચાલી ભારે અનિશ્ચિતતાને કારણે ખરીદદારો અને વેચાણકર્તાઓ બંનેને સોદા કરવામાં મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિ રોજેરોજ બદલાય રહી છે. મધ્ય પૂર્વ સંઘર્ષના કારણે માલિકો રિસાયક્લિગ માટે જૂના ટનેજ મોકલવાથી નિરાશ થાય છે.

ક્રૂડ તેલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ કરતા ઉંચો રહે છે તેના કારણે બજારની સ્થિતિ વધારે કપરી બનતી જાય છે. ઊર્જાના ઊંચા ભાવ રિસાયકલર્સને મોકલવામાં આવતા જહાજોના વેપારના સમયગાળાને લાંબો કરે છે.

ભારતીય રિસાયક્લર્સ અત્યારે વિશ્વ બજારમાં ડ્રાય બલ્ક, કન્ટેઇનર અને ટેન્કર માટે 425થી 455 ડોલર પ્રતિ એલડીટીનો ભાવ ઓફર કરે છે. જ્યારે બાંગ્લાદેશ 450થી 480 ડોલર વચ્ચે ઓફર કરે છે. પાકિસ્તાન 440થી 470 ડોલર ઓફર કરે છે. તૂર્કીમાં 270થી 290 ડોલર ચાલી રહ્યા છે.

દરમિયાન 110 થી વધુ ભારતીય રિસાયક્લિગ યાર્ડ્સ હોંગકોંગ કન્વેન્શન સ્ટેટમેન્ટ ઓફ કમ્પ્લાયન્સ ધરાવે છે, જે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ક્લાસિફિકેશન સોસાયટીઝના સભ્યો દ્વારા જારી કરવામાં આવે છે. જોકે એમાંથી લગભગ કોઇને અનેક કમિશન દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણો અને ઓડિટ છતાં, એક પણ યાર્ડ યુરોપીયન સ્ટાન્ડર્ડની યાદીમાં મૂકવામાં આવતા નથી. ટૂંકમાં એકપણ ભારતીય યાર્ડને યુરોપ દ્વારા મંજૂરી મળી નથી.

આગામી 10 વર્ષોમાં લગભગ 16,000 જહાજોને રિસાયાક્લિગની જરૂર પડશે. આવા સમયે ભારતના અલંગ જેવા યાર્ડ્સ કે જેમણે માળખાગત સુવિધાઓમાં ભારે રોકાણ કર્યું છે, વારંવાર ઓડિટ કરાવ્યા છે અને અગ્રણી વર્ગીકરણ સોસાયટીઓ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું છે તેમને યુરોપીયન યુનિયનની યાદીમાં સામેલ કરવા જોઇએ એવી માગણી થઇ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક