તલ અને બાજરીના વાવેતરમાં પણ વધારો : કઠોળનો વિસ્તાર નબળો પડયો
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા. 30 : ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું
છે. પાણીની થોડી ઝાઝી સગવડ અને ખેડૂતોના ઉત્સાહ વચ્ચે વાવણી વિસ્તાર સરેરાશની તુલનાએ
96 ટકા થઇ ગયો છે જ્યારે પાછલા વર્ષની તુલનાએ વાવણી 14 ટકા વધારે થઇ છે. મગફળીનું વાવેતર
ખૂબ વધ્યું છે જ્યારે તલનું સરેરાશ વાવેતર જળવાયું છેપણ પાછલા વર્ષ કરતા આંકડો ઉંચકાયો
છે.
મગફળીના ભાવ ખેડૂતોને ખૂબ સારાં
મળવાને લીધે વાવેતરમાં સરેરાશથી 14 ટકાનો માતબર વધારો થયો છે. ઉનાળુ મોસમ માટે વર્ષો
બાદ ખૂબ સારું 64,667 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષ કરતા 38 ટકા વધારે છે.
બનાસકાંઠા અને ભાવનગર જિલ્લો વાવેતરમાં મોખરે છે. જોકે આ વખતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત
અને સૌરાષ્ટ્રમાં છૂટુંછવાયું બધે જ વાવેતર થયું છે.
તલનો વિસ્તાર પણ સરેરાશ કરતા
હવે દોઢેક ટકો પાછળ છે. જે આવતા સપ્તાહે વટાવી દેવાય એવી પૂરતી શક્યતા છે. તલના ભાવ
સારાં છે અને ઉનાળામાં બગાડનો ખતરો નહીં હોવાથી ખેડૂતો વાવેતર કરતા હોય છે. ચાલુ વર્ષમાં
1.18 લાખ હેક્ટરમાં તલનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર પાછલા વર્ષ કરતા 3 ટકા
વધારે થયું છે.
જાડાં ધાન્ય પાકોમાં ડાંગરનું
વાવેતર 1.30 લાખ હેક્ટરમાં રહ્યું છે. સરેરાશ કરતા 28 ટકાનો વધારો થઇ ગયો છે. બાજરીનું
વાવેતર સરેરાશથી 6 ટકા પાછળ છે પણ ગયા વર્ષ કરતા 43 ટકાનો વધારો થવા પામ્યો છે. વાતાવરણ
અનુકૂળ રહે તો ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ છે. મકાઇનું વાવેતર સહેજ વધીને %,125 હેક્ટર
થયું છે.
કઠોળ પાકમાં મગ અને અડદના વાવેતરમાં
ઘટાડો થયો છે. અન્ય પાકનો વિસ્તાર વધવાને લીધે કઠોળમાં ઘટાડો થયો છે. મગનું વાવેતર
ગયા વર્ષના 53,264 હેક્ટર સામે 48,448 હેક્ટર રહ્યું છે. જ્યારે અડદનો વિસ્તાર
29,355 હેક્ટર સામે 27,853 હેક્ટર રહ્યો છે.
હવેના બે મહિના સુધી કમોસમી વરસાદ
ન પડે તો ઉનાળુ ઉત્પાદન બમ્પર થવાની શક્યતા છે. ખાસ કરીને મગફળી અને તલના ઉત્પાદનમાં
મોટો વધારો આવી શકે છે. વાવેતર વિસ્તાર સુધર્યો છે. હવે મોસમ અનુકૂળ રહે તો ઉતારાના
સ્વરૂપમાં પણ ફરક પડશે તેમ અભ્યાસુઓએ કહ્યું હતું.