(ફૂલછાબ ન્યૂઝ)
મોરબી, તા.30: મોરબીમાં રૂપિયા
25 લાખની ઉઘરાણી મામલે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી
જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેને ધોકાવાળી કરી જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા
બાદ પોલીસ આ ગુનામાં જિલ્લા પંચાયતના પુર્વ ચેરમેન અજય લોરિયાની ધરપકડ કરી હતી. મોરબીના
એવન્યુ પાર્કમાં રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના ઉદ્યોગપતિ શેખરભાઈ રતીલાલભાઈ આદ્રોજાએ
આરોપી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરિયા રહે.એવન્યુ
પાર્ક મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી શેખરભાઈને
આરોપી અજય લોરીયા પાસેથી લાંબા સમયથી રૂ.25 લાખ લેવાના નીકળતા હોઈ આરોપી અજય પૈસા આપવામાં
બહાના બતાવતા હતા. જેમાં ગઈકાલે પૈસા પરત આપવા વાયદો કર્યો હતો પરંતુ પૈસા ન આપતા શેખરભાઈએ
રાત્રીના ફોન કરતા અજય લોરિયાએ શેખરભાઈને સરદારબાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉને
બોલાવ્યા હતા.
દરમિયાન ફરિયાદી શેખરભાઈ તેમના
મીત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વનજીભાઈ પાડલિયાને લઈ ઈનોવા કારમાં સરદાર બાગ સામે ટ્રાન્સપોર્ટના
ગોડાઉનના ડેલામાં જતા અગાઉથી ત્યાં હાજર રહેલા અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા શખસે
પોતાની મર્સીડિઝ કારમાંથી ધોકો કાઢી ધોકા વડે ફરિયાદી શેખરભાઈ અને સાહેદ જયેશભાઈ પર
હુમલો કરી શેખરભાઈના બન્ને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું જ્યારે જયેશભાઈના માથામાં
ધોકાના બે ઘા મારી દેતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હાલ સિટી
એ ડિવિઝન પોલીસે અજય લોરિયા અને અન્ય એક અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી
છે.
આ અંગે મોરબી ડીવાયએસપી જે.એમ.
આલ દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગુનામાં અજય લોરીયાની તાત્કાલીક ધરપકડ કરી
લેવામાં આવી છે. તેમજ હુમલામાં વપરાયેલા ધોકા સહિતના હથિયાર અને એક મર્સિડીઝ કાર પણ
કબજે લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે.