• મંગળવાર, 07 એપ્રિલ, 2026

અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મૃત્યુ, માતા-પિતા ઈંઈઞમા ગંભીર હાલતમાં

નજીકમાં ડેરી પાર્લરમાંથી ખીરુ લાવીને ઢોસા ખાધા બાદ તબિયત લથડી : ફૂડ પોઈઝનીંગ થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.6:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઘટેલી એક વિચિત્ર ઘટનામાં ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારને ફૂડ પોઈઝાનિંગ જેવી અસર થવાથી બે માસૂમ બાળકીઓના કરૂણ મોત થયા છે જ્યારે તેમના માતા-પિતાની હાલત ગંભીર હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. ડેરી પાર્લરમાંથી ઢોસાનું ખીરુ લાવ્યા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોએ ઢોસા આરોગ્યા હતા અને બાદમાં બધાની તબિયત લથડી હતી. જેમાં ચાર વર્ષ અને અઢી મહિનાની બાળકીઓને ઝાડા-ઉલટી થયા બાદ તેમના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધૂ હાલ જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા હોઇ પરિવારે આ મામલે ન્યાયની ગુહાર લગાવી છે.

જો કે જે ડેરીમાંથી ખીરુ લાવવામાં આવ્યું હતું તેમના મતે એક જ ડ્રમમાંથી ગ્રાહકોને ખીરુ વેચવામાં આવ્યું હોઈ ફક્ત એક જ પરિવારને આ પ્રકારની અસર થઈ છે, અન્ય કોઈને કેમ કંઈ તકલીફ નથી થઈ ?

 ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘1લી એપ્રિલ સાંજે મારો દીકરો આઈ.ઓ.સી. રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરુ લાવ્યો હતો. રાત્રે તેણે ઢોસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઢોસા ખાવાથી તેની તબિયત લથડી હોવાની તાત્કાલિક જાણ ના થતા મારી પુત્રવધૂ અને ચાર વર્ષની પૌત્રીએ પણ તે આરોગ્યું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બે ચાર વર્ષની તથા અઢી માસની પૌત્રીનું મૃત્યુ થયું હતું. પુત્ર અને પુત્રવધૂ આઈસીયુમાં ગંભીર હાલતમાં છે.’

ચાંદખેડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને હાલ તપાસ ચાલુ છે. ડેરીમાંથી ખીરાનું સેમ્પલ લઈને ફોરેન્સિક નિષ્ણાતોને મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ આવે બાદ કાર્યવાહી કરાશે.

 બીજીતરફ ચાંદખેડા સ્થિત ઘનશ્યામ ડેરી જ્યાંથી આ ખીરુ લેવામાં આવ્યું હતું તેના માલિક કેતન પટેલે મીડિયાને જણાવ્યું કે, અમારી ડેરીમાંથી દરરોજ 125 કિલો ખીરુ વેચાય છે. જે લોટમાંથી આ પરિવારને ખીરુ આપવામાં આવ્યું હતું તે જ લોટમાંથી અમારા સંબંધીઓ અને અન્ય ગ્રાહકોને પણ ખીરુ આપ્યું હતું પરંતુ અન્ય કોઈને પણ આવી તકલીફ થઈ નથી. ખીરુ અહીંયા જ ડેરીમાં જ બનાવવામાં આવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક