મે માસમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય : સાઉદી અને રશિયા સૌથી વધુ ઉત્પાદન વધારશે
નવીદિલ્હી,
તા.6 : ઈરાન-અમેરિકા યુદ્ધનાં કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મચેલી અફરાતફરી વચ્ચે સ્થિરતા
સુનિશ્ચિત કરવા માટે પ્રમુખ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક પ્લસ દ્વારા મે માસથી ક્રૂડ
ઓઇલનાં ઉત્પાદનમાં વધારો કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓપેક
દેશોની રવિવારે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ કુલ 2,06,000 બેરલ પ્રતિદિન ઉત્પાદન વધારો
કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ સામૂહિક પગલાનું નેતૃત્વ સાઉદી અરબ અને રશિયા કરશે.
જે આ વધારાના ઉત્પાદનનો 60 ટકા જેટલો વધુ હિસ્સો બજારમાં મૂકશે. આ નિર્ણય વર્તમાન વૈશ્વિક
બજારની સ્થિતિ અને ભવિષ્યની ઊર્જાની માગને ધ્યાને રાખીને લેવામાં આવ્યો હતો.
પેટ્રોલિયમ
નિકાસકાર દેશોનાં સંગઠન તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર આ વધારો ભૂતકાળમાં
કરવામાં આવેલી સ્વૈચ્છિક કપાતની ક્રમશ: ભરપાઈ કરશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023માં
1.6પ મિલિયન બેરલ પ્રતિદિન ઉત્પાદન ઘટાડવાનો સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાંથી
જ હવે 206000 બેરલ પ્રતિદિન બજારમાં મૂકવામાં આવશે. આ નવી નીતિ હેઠળ વિભિન્ન દેશો માટે
મે 2026 માટે નવું ઉત્પાદન લક્ષ્ય પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં સાઉદી અને
રશિયા ઉત્પાદનમાં સૌથી અધિક વધારો કરશે. ત્યારબાદ ઈરાન અને યુએઈ, કુવૈત અને અન્ય દેશો
પણ પોતાનાં ઉત્પાદનમાં વધારો કરશે.