સાતમી એપ્રિલથી શરૂ થશે કામગીરી : મસ્જિદો અને અન્ય ધર્મમાં મહિલાઓના અધિકાર ઉપર પણ પડશે અસર
નવી
દિલ્હી, તા. 5 : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે શરૂ થયેલો વિવાદ હવે ઐતિહાસિક
સંવૈધાનિક વળાંકે આવ્યો છે. સાતમી એપ્રિલના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની
અધ્યક્ષતાની નવ જજની સંવિધાન પીઠ વ્યાપક કાનૂની સવાલો ઉપર સુનાવણી શરૂ કરશે. આ માત્ર
હિન્દુ ધર્મ જ નહીં પણ મુસ્લિમ, પારસી અને દાઉદી વોહરા સમુદાયની ધાર્મિક પ્રથાઓને પણ
અસર કરી શકે છે.
સુપ્રીમ
કોર્ટની પીઠ માત્ર સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર વિચાર કરી રહી નથી. અદાલતની
સામે સાચો પડકાર એ નક્કી કરવાનો છે કે શું વ્યક્તિગત મૌલિક અધિકાર કોઈ સમુદાયના ધાર્મિક
અધિકારથી ઉપર છે ? આ ચુકાદાની અસર મસ્જિદોમાં
મહિલાઓના પ્રવેશ, પારસી મહિલાઓના અધિકાર અને દાઉદી વોહરા સમુદાયની પ્રચલિત પ્રથાઓ
ઉપર પણ પડશે.
2018માં
તત્કાલીન સીજેઆઇ દીપક મિશ્રાની બેંચે 4-1ની બહુમતીથી સબરીમાલામાં દરેક આયુવર્ગની મહિલાઓના
પ્રવેશને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, ભક્તિને લૈંગિક ભેદભાવનો શિકાર બનાવી
શકાય નહીં. એકમાત્ર મહિલા જજ ઈન્દુ મલ્હોત્રાએ અસહમતી વ્યક્ત કરતા કહ્યું હતું કે,
ધાર્મિક પ્રથાઓની તર્કસંગતતાની તપાસ કરવી અદાલતોનું કામ નથી. નવેમ્બર 2019માં પુનર્વિચાર
અરજી ઉપર સુનાવણી કરતા કોર્ટ નોંધ્યું હતું કે મુદ્દો ખૂબ જ વ્યાપક છે અને તેને નવ
જજની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.