• મંગળવાર, 07 એપ્રિલ, 2026

મુંબઈ સામે રાજસ્થાનની નજર વિજયની હેટ્રિક પર

MI ઇલેવનમાં કપ્તાન હાર્દિક પંડયાની વાપસી થશે : વૈભવ-બુમરાહની ટક્કર રસપ્રદ બની રહેશે

ગુવાહાટી, તા.6 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રાજસ્થાન રોયલ્સ શરૂઆતના બન્ને મેચમાં વિજય પતાકા લેહરાવી ચૂકી છે. હવે તેની નજર જીતની હેટ્રિક પર છે. આ માટે મજબૂત ટીમ મુંબઈ ઇન્ડિયન્સની બાધા પાર કરવી પડશે. જેને વર્તમાન સીઝનમાં 1 જીત અને 1 હાર મળી છે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. અહીના બારસાપરા સ્ટેડિયમની પીચ બેટર્સ માટે ફેવરિટ રહે છે. આસામમાં મોટાભાગે ઓવરકાસ્ટ કન્ડિશન રહે છે. આથી ફાસ્ટ બોલર્સ પણ ફાયદામાં રહે છે. બન્ને ટીમ પાસે સારી બેટિંગ-બોલિંગ લાઇનઅપ છે. આથી મંગળવારે રમાનારો આ મુકાબલો રસપ્રદ બની રહે તેવી પૂરી સંભાવના છે.

મુંબઈએ તેનો બીજો મેચ દિલ્હીમાં રમ્યો હતો અને ડીસી સામે હાર સહન કરી હતી. આ મેચમાં સૂર્યકુમારે એમઆઇની કપ્તાની સંભાળી હતી. હાર્દિક પંડયા નાદુરસ્ત હતો. તે હવે આરઆર સામેના મેચથી લગભગ વાપસી કરશે. કારણ કે તેણે ગુવાહાટી પહોંચીને જિમ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

આ મેચમાં પણ 1પ વર્ષીય સનસની વૈભવ સૂર્યવંશી પર નજર રહેશે. ભલભલા બોલર સામે ફટકાબાજી કરતા આ વછેરા પર મુંબઈના બોલર્સ અને ખાસ કરીને બુમરાહ કેવી લગામ કસે છે તે જોવું રસપ્રદ બની રહેશે. રોહિત શર્મા પાસેથી મુંબઈ ટીમને આક્રમક શરૂઆતની આશા રહેશે. આ ટીમનું મીડલઓર્ડર હજુ સુધી કલીક થયું નથી. તિલક, સૂર્યકુમાર, નમન કે કપ્તાન હાર્દિક ક્ષમતા અનુસારનો દેખાવ કરી શક્યા નથી.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધીમાં 31 ટક્કર થઈ છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો 16 અને રાજસ્થાન રોયલ્સનો 14 મેચમાં વિજય થયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નેવીની તાલીમ પૂરી કરીને આવતા મહિલા ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ જામનગરના વાલસુરા પાસે કાર પલટી ગઈ : ડ્રાઈવર સહિત બે ઈજાગ્રસ્ત April 07, Tue, 2026