બેંગ્લુરુ, તા.6: લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે આઇપીએલમાં વિશેષ રેકોર્ડ બનાવ્યો છે. આઇપીએલ ઇતિહાસમાં 200 વિકેટના આંકડાને સ્પર્શ કરનાર તે પહેલો ઝડપી બોલર બન્યો છે. ભુવનેશ્વર કુમારે આ રેકોર્ડ ગઇકાલના મેચમાં આરસીબી તરફથી રમતા સીએસકે વિરુદ્ધ બનાવ્યો હતો. આયુષ મ્હાત્રેની વિકેટ ઝડપીને તેણે 200 વિકેટની ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આઇપીએલમાં 200 વિકેટ લેનારો તે ઓવરઓલ બીજો બોલર છે. યજુર્વેન્દ્ર ચહલ આ મામલે પહેલા સ્થાને છે. તેના નામે 224 આઇપીએલ વિકેટ છે. 2011થી આઇપીએલ રમી રહેલ 36 વર્ષીય ભુવનેશ્વર કુમારે 192 મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. સીએસકે સામે તેણે 2 વિકેટ લીધી હતી. તેની કુલ વિકેટની સંખ્યા 201 થઇ છે. આઇપીએલમાં સૌથી વધુ દડા ફેંકવાનો રેકોર્ડ (લગભગ 1800) પણ ભુવનેશ્વરના નામે છે. ભુવનેશ્વર ભારત તરફથી 21 ટેસ્ટ, 121 વન ડે અને 87 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. જેમાં અનુક્રમે 63, 141 અને 90 વિકેટ છે.