• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 98 ઉમેદવાર મેદાને

9 તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 491 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે : ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

 

જૂનાગઢ તા.16 જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થતા ચૂંટણી જંગ ચિત્ર સ્પષ્ટ થયું છે. તેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 98 અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે 491 ઉમેદવારો મેદાનમાં રહયા છે. મોટાભાગની બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જામશે.

જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના 30 -30 ,આમ આદમી પાર્ટીના 29 અને 9 અપક્ષ ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. તમામ બેઠકો ઉપર ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

જ્યારે જિલ્લાની 9 તાલુકા પંચાયતની 158 બેઠકો ઉપર 491 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તેમાં ભાજપના 158 કોંગ્રેસના 150 આમ આદમી પાર્ટીના 147 બસપાના બે, સમાજવાદી એક અન્ય પક્ષના બે અને 31 અપક્ષોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. તાલુકા પંચાયત ચૂંટણીમા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરા ખરીનો જંગ ખેલાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારો તેમના ટેકેદારો અને જે તે પક્ષના આગેવાનો દ્વારા મતદારોને રીઝવવા માટે પરસેવો પાડવાનું શરૂ કર્યું છે પરંતુ જાગૃત મતદારો તમામ ઉમેદવારોને આવ કારતા હોય તેથી તેઓના મન જાણવા મુશ્કેલ બન્યા છે.  વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપે 30 બેઠકમાંથી 22 બેઠક મેળવી  હતી, કોંગ્રેસને છ અને બે અપક્ષો વિજેતા થયા હતા પરંતુ પાંચ વર્ષમાં ચિત્ર બદલાયું હોય તેમ ગ્રામ્ય મતદારોમાં  મોટાભાગે કિસાનો ક્યાંક ને ક્યાંક નારાજગી અનુભવી રહ્યા છે .

 

ઇ-પેપરના નવા શુલ્ક