• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : ભાજપ, કોંગ્રેસ, ‘આપ’ એ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો

ભાજપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસમાંથી મુકુલ વાસનિક, અમિત ચાવડા જ્યારે ‘આપ’માં અરાવિંદ કેજરીવાલ, ભગવંત માન મુખ્ય સ્ટાર પ્રચારકોમાં શામેલ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.16 :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી આયોગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના સ્ટાર પ્રચારકોની યાદી જમા કરાવી દીધી છે તમામ પક્ષોએ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને પ્રચાર અભિયાનને વેગ આપવા માટેની રણનીતિ તૈયાર કરી

લીધી છે.

ભાજપે આ વખતે ચૂંટણી પ્રચાર માટે ઝોન વાઇઝ આયોજન કર્યું છે. પક્ષ દ્વારા રાજ્યના ચાર ઝોનમાં 20-20 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને પરસોત્તમ રૂપાલા જેવા વરિષ્ઠ નેતાઓ પણ પ્રચારની કમાન સંભાળશે. ભાજપ દ્વારા દરેક ઝોનમાં મજબૂત પક્કડ ધરાવતા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે જેથી માઈક્રો પ્લાનિંગ સાથે પ્રચાર કરી શકાય.

કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી આયોગને સોંપી છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના નેતાઓનો સમન્વય જોવા મળે છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા અને તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ ભરતાસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, શક્તાસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી પણ વિવિધ બેઠકો પર પ્રચાર માટે જશે.કોંગ્રેસ આ યાદી દ્વારા પોતાના પરંપરાગત મતોને અંકિત કરવા અને કાર્યકરોમાં ઉત્સાહ ભરવા પ્રયાસ કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ પોતાના 20 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી છે. પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. આપની યાદીમાં અરાવિંદ કેજરીવાલ, ભગવંત માન અને ગોપાલ રાય જેવા રાષ્ટ્રીય સ્તરના નેતાઓનો સમાવેશ થાય છે. ગુજરાતના સ્થાનિક નેતાઓમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠીયાને પણ સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપાઈ છે. આમ આદમી પાર્ટી ખાસ કરીને યુવા અને આદિવાસી મતો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેમ યાદી પરથી જણાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક