• શનિવાર, 13 જૂન, 2026

ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ: 23થી 26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી

13 જૂનથી ચોમાસાનો માહોલ જામશે; 15 જૂન સુધી વાવાઝોડું અને 16 જૂને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ વરસી શકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ

અમદાવાદ, તા.11 : રાજ્યમાં પ્રવર્તી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની સાથે જ હવે ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત રીતે વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે અને 16 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની હાજરી જોવા મળશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધિવત ચોમાસું 23થી 26 જૂનની વચ્ચે બેસી શકે છે. આ દરમિયાન 15 જૂન સુધીમાં વાવાઝોડું અને 16 જૂનના રોજ મૃગશિર્ષ નક્ષત્રનો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વરસાદ વધે તેવી સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત દ્વારા ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ જણાવે છે કે 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદ, 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ બેસી જશે. ચોમાસાની શરૂઆતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.

નિષ્ણાતોના મતે તેમના મતે ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ચોમાસાની સિસ્ટમમાં થોડો વિલંબ અને અવરોધ જોવા મળી રહ્યો છે. આ જ કારણે શરૂઆતમાં વરસાદની ગતિ થોડી ધીમી રહેશે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું પડી શકે છે. જોકે, જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બાટિંગ શરૂ કરશે. ખેડૂતો માટે આ આગાહી વાવણીના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.   

છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યના મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા થયો છે. આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં  41, ભાવનગરમાં 41.5, બરોડામાં 38.6, ડીસામાં 39.3, કંડલામાં 36.4, સુરેન્દ્રનગરમાં 41.5 તેમજ સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક