• રવિવાર, 14 જૂન, 2026

સોમનાથ મંદિરમાં સાગરદર્શન માટે રોડ કેમ બંધ કર્યો ? હાઈકોર્ટનો કલેક્ટરને સવાલ

નાગરિકોની રજૂઆતને ટાળી દેવાની કલેક્ટરની વૃત્તિ નહીં ચાલે, શું તમે રાજાશાહીમાં જીવો છો: ગુજરાત હાઈકોર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 11: સૌરાષ્ટ્રમાં આવેલા સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરની બાઉન્ડ્રી પાસે આવેલો સાગરદર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રોડ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને જિલ્લાના 39 અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરીને પડકાર્યો છે. સ્થાનિકોના મતે કલેક્ટરને વારંવારની રજૂઆત કરવા છતાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી જવાબ અપાતો નથી. હાઈકોર્ટે આ મામલે આકરી ટકોર કરી કે, મંદિર ટ્રસ્ટ પાસે રોડ બંધ કરવાની સત્તા કઈ રીતે આવે. આવી રીતે એક તરફી જોહુકમીભર્યો નિર્ણય લઈ શકાય નહીં. હાઈકોર્ટે કલેક્ટરને કડક રીતે ઉધડો લેતા કેટલાક સવાલો કર્યા હતા. જો કે, સરકાર પક્ષે રિટ અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લો હોવાનો દાવો કરાયો હતો. આ કેસમાં નવા વીડિયો અને ફ્રેશ નક્શો કોર્ટ સમક્ષ મૂકાશે અને વધુ સુનાવણી 22 જૂનના રોજ મુકરર કરાઈ છે. 

હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કરિયલે ટકોર કરી હતી કે, નાગરિકોએ કલેક્ટરને રજૂઆત કરી તો ચાર મહિનાથી જવાબ કેમ આપ્યો નથી. નાગરિકોને ટાળી દેવાની વૃત્તિ ચાલે નહીં. શું તમે હજુ રાજાશાહીમાં જીવો છો..? કલેક્ટરનું કામ શું છે? એવા ક્યા કામમાં તેઓ વ્યસ્ત હતા કે લોકોની રજૂઆતનો જવાબ પણ આપી શક્યા નહીં. લોકોએ ક્યાં અને કેમ ચાલવું તે તમે નક્કી કરી શકો નહીં. સરકારી વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ સોમનાથમાં અહિલ્યાબાઈની પ્રતિમાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વીડિયો અને નવા નક્શા કોર્ટ સમક્ષ મૂકશે.  

ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક સોમનાથ મંદિરની દિવાલ નજીક સાગરદર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રોડ બંધ કરી દેવાના વિવાદમાં સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ રસ્તો નહીં ખોલાતા અને તંત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે સ્થાનિક કલેક્ટરના બેજવાબદારીભર્યા વલણને લઈને ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક