• શનિવાર, 13 જૂન, 2026

કપાસની તાજી તેજી વાવેતરને ફાયદો કરાવે તેવી શક્યતા ઓછી

તેજી પછી આયાત છૂટ મળી જતા ખેડૂતોને નુકસાન: ગુજરાતમાં જિનીંગ 95 ટકા પૂરું

રાજકોટ, તા.11 (ફૂલછાબ ન્યૂઝ) : કપાસના ભાવમાં એપ્રિલ-મે મહિના દરમિયાન આવેલી તેજીને લીધે કપાસ વાવેતરના વિસ્તારમાં વધારો થવાની સંભાવના ફરીથી હળવી થઇ ગઇ છે. લાંબી મંદી પછી તેજી થતાં કિસાનો કપાસના બિયારણ શોધતા હતા. જોકે સરકારે જૂનથી આયાત જકાત મુક્ત કરી નાંખતા ભારે નિરાશા વ્યાપી ગઇ છે. હવે  ગુજરાતમાં વાવેતર 10 ટકા કરતા વધુ ઘટી જાય તેમ છે.

દરમિયાન રાજ્યની વિવિધ જિનીંગ મિલોમાં અત્યાર સુધીમાં 95 ટકા ઉત્પાદન પૂર્ણ થયું હોવાનો અંદાજ છે. જિનરોએ 68 લાખ ગાંસડી બંધાશે તેવો અંદાજ મૂક્યો હતો. એ પૈકી 64.86 લાખ ગાંસડી બાંધી લેવામાં આવી છે. પ્રેસીંગનો આંકડો પાછલા આઠ વર્ષમાં સૌથી ઓછો છે. જૂનમાં ચોમાસાના આરંભ સાથે મહદઅંશે જિનીંગ મિલો બંધ થઇ જશે.

સરકારે લઘુત્તમ ટેકાનો ભાવ કપાસ માટે રૂ. 13 કરી દીધો છે. જે ગયા વર્ષમાં 1622 હતો. તેનો ફાયદો લેવા માટે કિસાનો કપાસ વાવી શકે એમ હતુ પણ આયાતને લીધે ચિંતા વધી ગઇ છે. બમ્પર આયાત છતાં સીસીઆઇ દ્વારા ચાલુ વર્ષમાં 105 લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી.જોકે ગુજરાતના ખેડૂતો સરકારી ખરીદીથી નારાજ છે.

અગાઉ મોટાંભાગનો કપાસ ટેકાના ભાવથી વેચાણ થઇ ગયા પછી તેજી થવાથી માત્ર સધ્ધર ખેડૂતોને ફાયદો મળ્યો હતો. ગયા વર્ષમાં ત્રણેક લાખ હેક્ટરનો ઘટાડો થયો હતો. જોકે હવે નવી મોસમમાં 19થી 22 લાખ હેક્ટર વચ્ચે વાવેતર થશે તેવું જિનીંગ ઉદ્યોગ માની રહ્યો છે. ગુજરાતમાં સીસીઆઇની ખરીદીની પદ્ધતિ સામે ખેડૂતો ભારે નારાજ છે.

કેન્દ્ર સરકારે કપાસની આયાત ઉપર નવી જિનીંગ મોસમ સુધી જકાત કાઢી નાંખી છે. ગુજરાતના કિસાનોને આ નિર્ણય પસંદ આવ્યો નથી. એનાથી પણ ભારે નારાજગી છે. અન્ય રાજ્યોમાં તેની કેવી અસર પડે છે, એનું ચિત્ર જુલાઇમાં સ્પષ્ટ થવા લાગશે. કારણકે આ વર્ષે ચોમાસાની નિયમિતતા અને પ્રમાણ બન્ને અંગે બહુ સારી આગાહીઓ અત્યાર સુધી થઇ નથી.

સરકારે કપાસની આયાત મુક્ત કરી આપી એ પછી ગાંસડીનો ભાવ પાંચથી છ હજાર રૂપિયા ઘટીને અત્યારે ગુજરાતમાં રૂ. 61000માં મળવા લાગી છે. કપાસનો ભાવ પણ એક તબક્કે રૂ. 2 હજારનું મથાળું વટાવીને આવ્યા પછી અત્યારે બેસ્ટ ક્વોલિટીમાં રૂ. 1800 આસપાસ સ્થિર થઇ ગયો છે.

ગુજરાતમાં 68 લાખ ગાંસડીનું ઉત્પાદન (પ્રેસીંગ) થવાનું છે. ગયા વર્ષ કરતા એમાં 12 ટકાનો ઘટાડો થયો છે. 2023-24ની 90.27 લાખ ગાંસડીની તુલનાએ ઉત્પાદન 25 ટકા ઓછું થયું છે.હવે નવી મોસમમાં કેટલું ઘટે છે તે જોવાનું છે.

--

 

 

ઇ-પેપરના નવા શુલ્ક