નીટ સંબંધિત કાયદો-વ્યવસ્થાની કામગીરી માટે મકરંદ ચૌહાણની રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્તિ
અમદાવાદ,
તા.17 : ગત વર્ષે દેશના કેટલાક ભાગોમાં ‘નીટ-યુજી’નું પ્રશ્નપત્ર લીક થયાના વિવાદ બાદ
આ વખતે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. રાજ્યમાં
આગામી તા.21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વે પોલીસ દ્વારા
જડબેસલાક બંદોબસ્ત ગોઠવવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ઉપર સુરક્ષાનાં
તમામ પગલાં લેવામાં આવશે તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા માટે વિશેષ ટીમો તૈનાત
કરવામાં આવી છે.
રાજ્યના
પોલીસ વડા જી.એસ. મલિકે નીટ-યુજીની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યવ્યાપી વીડિયો કોન્ફરન્સ
યોજી હતી. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઇજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી
આ બેઠકમાં રાજ્યભરમાં નીટ પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત
કરવા માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
ડીજીપીએ
નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઇજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ
ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની
સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ
હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્ષ કેન્દ્રો પર કડક
નજર રાખવા તેમજ નીટનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની તમામ માર્ગદર્શિકાઓનું
પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી.
પોલીસ
એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી (ફ્રિસ્કિંગ) કરવા, ખાસ કરીને મહિલા
ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે
સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન,
સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ
વ્યવસ્થાના આદેશ આપવામાં આવ્યા હતા.
પરીક્ષામાં
કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને 20 જૂનના રોજ એનટીએના પ્રતિનિધિઓ
સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી
હતી. રાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન
સઘન રાત્રિ પેટ્રાલિંગ પણ હાથ ધરાશે. સાથે જ અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં
વિક્ષેપ પાડવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટારિંગ વધુ સક્રિય કરવામાં
આવ્યું છે.
21
જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવતો હોવાથી, ડીજીપીએ તમામ પોલીસ એકમોને
યોગ દિવસના કાર્યક્રમો અને નીટ પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવા સૂચના આપી
હતી, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે.