• ગુરુવાર, 18 જૂન, 2026

સુરત, ભાવનગર અને જામનગરમાં ફરી બોમ્બનું ભૂત ધુણ્યું

પોલીસ ફોર્સ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતનો કાફલો દોડતો થયો 

સુરત, ભાવનગર, જામનગર, તા. 17: રાજ્યમાં ફરી વખત સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ભાવનગર, સુરત અને જામનગરની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઈલ મળતા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો બાદ ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ લોકોને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને ત્રણમાંથી એક પણ જગ્યાએ કોઈ વાંધાજનક વસ્તુઓ નહીં મળતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના આસી. કમિશનરને જામનગર મહાનગર પાલિકામાં બોમ્બ મુકયો હોવાનો અને કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇમેલ મળતા જ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઇ સુરક્ષા એજન્સી સર્તક થઇ હતી. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલની જાણ થતાં જ જામનગર એલસીબી, એસઓજી, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને જામનગર મહાનગરપાલિકા કચેરીને કોર્ડન કરી દોઢેક કલાકની તપાસ હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવામાં ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને આજે બપોરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ  શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આજે બપોરે અંદાજે 3:11 કલાકે મહાનગરપાલિકાના મેયરની કચેરીના અધિકૃત ઇ-મેઇલ આઇડી પર એક અજાણ્યા સ્ત્રોત તરફથી ધમકીભર્યો ઇ-મેઇલ પ્રાપ્ત થયો હતો ગંભીર ધમકીને પગલે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. નાગરિકો, કર્મચારીઓ તથા અધિકારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તાત્કાલિક અસરથી આખું પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને સુરક્ષા એજન્સીઓ કાફલા સાથે દોડી આવી હતી. સુરક્ષા કર્મીઓએ સમગ્ર કચેરી સંકુલને કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરી હતી.

વધુ એક બનાવમાં હીરાનગરી સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી હતી. ધમકીભર્યા સંદેશાની ગંભીરતાને ધ્યાને લઈ કચેરી ખાતે તાત્કાલિક બોમ્બ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરતમાં અગિયાર વાગ્યાની આસપાસ ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. બીડીએસ દ્વારા ચાકિંગ કરતા કોઈ આપત્તિજનક ચીજવસ્તુ મળી નથી. કોના દ્વારા મેઇલ કરવામાં આવ્યો છે એની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક