ઉપવાસ દરમિયાન ખેડૂતોની તબિયત બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ખાનગી કંપની અને વહીવટી તંત્રની રહેશે
મોરબી,
તા.17 : મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોએ વીજ લાઈન વળતર મુદ્દે સપ્તાહ સુધી આંદોલન
કરી ટ્રેક્ટર રેલી કાઢી હતી જોકે ટ્રેક્ટર રેલીએ રાજકીય રંગ પકડી લેતા ખેડૂતો રેલીથી
અળગા થયા હતા અને હવે ગુરુવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું એલાન કરવામાં આવ્યું
છે.
ખેડૂતો
કૈલાશગીરી ગુરુમહાદેવગીરી, અમૃતિયા રતિલાલ શિવલાલભાઈ, નેહલકુમાર ધીરજલાલ અમૃતિયા અને
ભાડજા રામજીભાઈ નાનજીભાઈ દ્વારા આમરણાંત ઉપવાસ પર બેસવા માટેની મંજૂરી/જાણ કરતી અરજી
કરતા જિલ્લા કલેક્ટરને જણાવ્યું છે કે ખેડૂતો વાજબી પ્રશ્નો અને ન્યાયિક માગણીઓ લાંબા
સમયથી પડતર છે. અગાઉ 10 જૂનના રોજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય
કે સંતોષકારક પગલાં લેવામાં આવ્યાં નથી. ખેડૂતોની મુખ્ય માગણીઓ જેવી કે ટેલીગ્રાફ એક્ટ
1885ની કલમ 10 (ડી) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતર આપો, કેન્દ્ર સરકાર દ્વારા ઊર્જા
વિભાગની તા. 14-06-2024ની ગાઇડ લાઇનના પોઇન્ટ નંબર 9 પ્રમાણે સંપૂર્ણ વળતર એક હપ્તામાં
પહેલા આપો. જ્યાં સુધી ઉપરના બન્ને મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કંપનીને પોલીસ
પ્રોટેક્શન આપીને બળજબરીથી ખેડૂતોનાં ખેતરમાં થતું કામ બંધ કરવાનો આદેશ આપો. જે માગણીઓ
અન્વયે જેતપર બસ સ્ટેશન પાસે તા. 18ને ગુરુવારે સવારે 10 વાગ્યાથી ખેડૂતો આમરણાંત ઉપવાસ
આંદોલન શરૂ કરવાના છે. જે ઉપવાસ આહિંસક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. ઉપવાસ દરમિયાન જો અમારી તબિયત
બગડે અથવા કોઈ અણધારી ઘટના ઘટે તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અદાણી કંપનીના કર્મચારીઓ
સુખરામભાઈ, મયંકભાઈ અને વહીવટી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે.